Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હરિયાણામાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો

ઓમર અબ્દુલ્લા ભડકયાઃ ગણાવી ભયાનક ઘટના

શ્રીનગર તા. ૩ : દેશમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના એક પછી એક સામે આવી છે. હવે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના મસાની ચોકની ઘટના સામે આવી છે જયાં કેટલાંક અજાણ્યા શખ્સોએ બે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. આ કાશ્મીરી યુવાનો હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ભૂગોળના વિદ્યાર્થી છે.

 

આ હુમલામાં ઘાયલ થયેલ કાશ્મીરી વિદ્યાર્થી જાવેદ ઇકબાલ જગલ એ ટ્વીટ કરીને આ માહિતી આપી. પીડિત વિદ્યાર્થીની ફરિયાદ પર હરિયાણા પોલીસ એ અજાણ્યા શખ્સોની વિરૂદ્ઘ કેસ નોંધાવ્યો છે. પીડિત વિદ્યાર્થીએ પોતાની ટ્વિટની સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી, પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, કેન્દ્રીય ગૃહમંત્રાલય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને જમ્મુ-કાશ્મીર પોલીસને પણ ટેગ કર્યા છે.

 

જાવેદ ઇકબાલ જગલ એ કહ્યું કે અમે હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી છીએ અને શુક્રવારના રોજ જુમાની નમાજ પઢવા માટે કેમ્પસમાંથી બહાર ગયા હતા, ત્યારે કેટલાંક લોકોએ અમને મારવાનું શરૂ કરી દીધું. જગલ એ ટ્વિટર પર હુમલામાં ઘાયલ થયાની તસવીરો પણ શેર કરી છે.

પીડિત વિદ્યાર્થીના ટ્વિટ બાદ પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુઉફતીએ આ ઘટાની જોરદાર ટીકા કરી છે. સાથો સાથ હરિયાણા ડીજી ને આ મામલામાં કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ ઘટનાથી હેરાન છે કે હરિયાણાના મહેન્દ્રગઢમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો થઇ રહ્યો છે.

આ ઘટના પર જમ્મુ-કાશ્મીર પોલીસ એ પણ અલગથી એક ટ્વીટ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ એ કહ્યું કે તેઓ આ ઘટનાને લઇ હરિયાણા પોલીસના સંપર્કમાં છે. હરિયાણા પોલીસ એ કેટલીય કલમોની અંતર્ગત આ કેસ નોંધી લીધો છે.

જયારે નેશનલ કોન્ફરન્સના નેત ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આ ઘટનાને ભયાનક ગણાવી છે. તેમણે કહ્યું કે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાત કહી, આ ઘટના તેની ભાવનાની વિરૂદ્ઘ છે. સાથો સાથ અબ્દુલ્લાએ આશા વ્યકત કરી છે કે હરિયાણા પ્રશાસન પર હિંસાની વિરૂદ્ઘ ઝડપથી કાર્યવાહી કરશે. આ સિવાય સોશ્યલ મીડિયા પર પણ આ હુમલાની જોરદાર ટીકા થઇ રહી છે.

આની પહેલાં એપ્રિલ ૨૦૧૭માં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે મારપીટની ઘટનાની કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ એ પણ આકરી ટીકા કરી હતી. મેવાડ અને મેરઠમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ પર કહ્યું હતું કે કાશ્મીરી પણ દેશના નાગરિક છે. તેમની સાથે ભાઇચારો દેખાડવો જોઇએ. સાથો સાથ ગૃહમંત્રીએ દેશના તમામ રાજયોને નિર્દેશ આપ્યો કે તેઓ કાશ્મીરીઓને સુરક્ષા આપે.

(10:23 am IST)