Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

કાશ્મીરમાં બધુ ઠીક નથી, જવાનોનું લોહી વહી રહ્યું છે

શિવસેનાએ સામનામાં ઉઠાવ્યા સવાલ : શિવસેનાના મુખપત્ર સામનામાં કાશ્મીરમાં જવાનોની શહાદતને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યાં છે, આ સાથે કેન્દ્ર સામે કાશ્મીરના હાલાતને લઈને ચિંતા પણ વ્યકત કરવામાં આવી છે

મુંબઈ, તા.૩:  શિવસેનાના મુખપત્ર સામનામાં કાશ્મીર માં જવાનોની શહાદતને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યાં છે. આ સાથે કેન્દ્ર સામે કાશ્મીરના હાલાતને લઈને ચિંતા પણ વ્યકત કરવામાં આવી છે. 'કાશ્મીરમાં રકતપાત મહારાષ્ટ્રમાં આક્રોશ' મથાળા હેઠળ લખાયેલા સંપાદકીયમાં કહેવાયું છે કે કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સારી નથી થઈ. સાતારાના જવાન સંદીપ સાવંત કાશ્મીરમાં શહીદ થયા. નૌશેરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સંદીપ સાવંત સહિત બે જવાનો શહીદ થયા. ગત એક મહિનામાં મહારાષ્ટ્રના સાત-આઠ જવાનો શહીદ થયાં. આ માટે મહારાષ્ટ્રની મહાવિકાસ આદ્યાડી જવાબદાર નથી. એ સમજી લેવું જોઈએ.

સંપાદકીયમાં કહેવાયું છે કે 'વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ આ કેટલું સાચું છે? કલમ ૩૭૦ હટાવી એ સારું થયું. આ અગાઉ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક થઈ. પરંતુ આટલું બધુ કરવા છતાં કાશ્મીરની પરિસ્થિતિમાં શું ફેરફાર આવ્યો? આતંકવાદી હુમલા ચાલુ જ છે. પરંતુ તેના સમાચારો આપવા પર નિયંત્રણ છે. બંદૂકોનો શોર થમ્યો નથી. ફકત શોરને આનંદનો ચિત્કાર ગણાવવામાં આવી રહ્યો છે.

લેખમાં એ પણ કહેવાયું છે કે 'કાશ્મીરમાં  સંચાર સેવાઓ શરૂ થઈ નથી. ત્યાં ૩૧ ડિસેમ્બરની મધ્યરાત્રીએતી એસએમએસ સેવાઓ શરૂ કરાઈ. પરંતુ ઈન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. ૫ ઓગસ્ટના રોજ કલમ ૩૭૦ હટાવાયા બાદથી કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે તે સમજવું પડશે. અથડામણમાં ફકત આપણા જવાનો શહીદ થયાં તેની સૂચનાઓ મળે છે. જવાનોના ત્રિરંગામાં લપટાયેલા પાર્થિવ શરીર તેમના ગામ મોકલવાની પ્રથા છે નહીં તો તેમના શહીદ થવાના અહેવાલો પણ દબાવી દેવામાં આવત.

(11:24 am IST)