Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોદીનો અમદાવાદમાં મેગા શોઃ ૫૦ KM લાંબો રોડ શો ૧૪ વિધાનસભામાંથી પસાર થયોઃ ૧૦ લાખ લોકો જોડાયા

રોડ શો દરમિયાન અમદાવાદના રસ્‍તાઓ પર મહિલાઓ, પુરુષો, યુવાનો અને બાળકોની ભારે ભીડ ઉમટી પડી હતી

નવી દિલ્‍હી, તા.૨: ગુજરાતમાં ૫ ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આવતીકાલે એટલે કે શનિવારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આવી સ્‍થિતિમાં ભાજપના નેતાઓ તેમની પાર્ટી માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદી પણ તોફાની પ્રચારમાં વ્‍યસ્‍ત છે. મોદીએ શુક્રવારે કાંકરેજમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન મોદીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ ગુરુવારે ૫૦ કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો.

મોદીએ કહ્યું કે લટકાવવું અને ગેરમાર્ગે દોરવું એ કોંગ્રેસની આદત છે. કોંગ્રેસનો સ્‍વભાવ છે કે તે એવું કોઈ કામ કરતી નથી જેમાં તેનું પોતાનું હિત દેખાતું ન હોય. મોદીએ વધુમાં કહ્યું કે ભારતના ગાય વંશનો વારસો આપણી મોટી તાકાત છે. આપણી કાંકરેજ ગાયે પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્‍વભાવ બદલ્‍યો છે.

જણાવી દઈએ કે પીએમ મોદી ગુજરાતમાં ચાર જાહેરસભા કરવાના હતા. કાકરેજ બાદ તેઓ પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જાહેરસભાઓ કરશે. આ પહેલા ગુરુવારે તેમણે રાજ્‍યમાં ૫૦ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. કાંકરેજમાં જાહેરસભા પહેલા મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી.

ગુરુવારે PM મોદીના અમદાવાદ રોડ શોમાં ૧૦ લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે દેશના સૌથી મોટા અને સૌથી લાંબા રોડ શોમાં ૧૦ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ૫૦ કિલોમીટરથી વધુ લાંબો રોડ શો ૧૪ વિધાનસભા બેઠકોમાંથી પસાર થયો હતો. રોડ શો દરમિયાન અમદાવાદના રસ્‍તાઓ પર મહિલાઓ, પુરુષો, યુવાનો અને બાળકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.

(4:51 pm IST)