Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધીજી ક્રિકેટના દિવાના હતા : બેટીંગ અને બોલિંગ બન્ને સારા કરતા હતા

અમદાવાદ,તા.૨: આજે ૨ ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતી છે અને દરેક વ્યક્તિ અલગ અલગ રીતે ગાંધીજીને યાદ કરે છે. મહાત્મા ગાંધીજીની આત્મકથાથા પરિચિત લોકો ચોક્કસ જાણતા હશે કે જ્યારે બાપુ સ્કૂલના વિધાર્થી હતા ત્યારે શારીરિક અભ્યાસ બિલકુલ પસંદ કરતા ન હતા. પરંતુ ક્રિકેટ પ્રત્યે તેમના લગાવ વિશે ઘણાં ઓછા લોકોને ખબર છે.

'મહાત્મા ઓન ધ પીચઃ ગાંધી એન્ડ ક્રિકેટ ઇન ઇન્ડિયા' નામના એક પુસ્તકમાં આ વિશે કહે છે કે, રાષ્ટ્રપિતા આ બ્રિટિશ રમતની મજા લેતા હતા અને તેણે તેને પસંદ કરી અને બાદમાં ભારતની રાષ્ટ્રિયતા સાથે તેને જોડવામાં આવ્યા. કૌશિક બંદોપાધ્યાયના આ પુસ્તક મહાત્મા ગાંધીનું જુનુન દર્શાવે છે. તેમના બાળપણના એક મિત્ર અનુસાર તે માત્ર ક્રિકેટને લઈને ઉત્સાહ જ ન હતા પરંતુ તેમના પર તેની ધૂન સવાર રહેતી હતી.

હાઈસ્કૂલમાં ગાંધીજીના સહપાઠી રતીલાલ ગેલાભાઈ મેહતાએ તેમને શાનદાર ક્રિકેટર ગણાવતા કહ્યું કે, 'ઘણી વખત અમે સાથે ક્રિકેટ રમ્યા અને મને યાદ છે કે તે બેટિંગ અને બોલિંગ બન્ને સારા કરતા હતા. જોકે, તેમને સ્કૂલમાં શારીરિક અભ્યાસ પસંદ ન હતો.'

તેમણે વધુ એક રોચ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'એક વખત અમે બન્ને એક ક્રિકેટ મેચ જોવા ગયા હતા. એ દિવસોમાં રાજકોટ સિટી અને રાજકોટ સદરની ટીમોમાં જોરદાર ટક્કર થતી હતી. તેમણે કહ્યું, 'મેચ એક મહત્ત્વના વળાંક પર હતી, ગાંધીજીએ કંઈક વિચારીને કહ્યું કે ફલાણો ખેલાડી આઉટ થશે અને ખરેખર તે આઉટ થઈ ગયો.'

આ પુસ્તક બાળપણમાં ગાંધીજીના ક્રિકેટ પ્રત્યેના જુનુનથી શરૂ થાય છે અને ભારતમાં ક્રિકેટની વિકાસ ગાથા વર્ણવે છે. જોકે પુસ્તકમાં ખાસ કરીને સ્કૂલના દિવસો બાદના જીવનમાં ગાંધીજીના ક્રિકેટ સંબંધીત સફર વિશે જણાવવામાં આવ્યું છે.

(3:21 pm IST)