Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બાપુના સ્વપ્નો સાકાર કરવા એકતાના માર્ગે ભારતની આગેકૂચ : નરેન્દ્રભાઇ

જયારે અત્ર-તત્ર-સર્વત્ર અસમાનતા પ્રવર્તે છે, ત્યારે બાપુએ સમાનતા અને સાર્વભૌમિકતા પર ભાર મૂકયો છે, જેનાં પરિણામે લાખો વંચિતો માટે સમૃદ્ઘિનાં યુગની શરૃઆત થઈ શકે છે : ૧.૩ અબજ ભારતીયો બાપુનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવા ખભેખભો મિલાવીને કામ કરવા કટિબદ્ઘ છીએ, જે માટે બાપુએ પોતાનું જીવન સમર્પિત : ચાલો આપણે વિચારીએ કે આપણી કામગીરી કેવી રીતે ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળા વાતાવરણમાં યોગદાન કરી શકે છે : જયારે આઠ દાયકા અગાઉ પ્રદૂષણનું જોખમ નહોતું, ત્યારે મહાત્મા ગાંધીએ સાઇકલ અપનાવી હતી

નવી દિલ્હી તા. ૨ : ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીના પ્રારંભે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે કે, આજે આપણે આપણાં પ્રિય બાપુની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીની શરૃઆત કરી છે. તેઓ સમાનતા, સન્માન, સર્વસમાવેશકતા અને સશકિતકરણ ઇચ્છતાં દુનિયાભરનાં લાખો-કરોડો લોકો માટે હંમેશા આશાનું કિરણ છે. માનવ સમાજ પર તેમનાં વિચારોએ અમીટ છાપ છોડી છે.

 

મહાત્મા ગાંધીએ પોતાની વાણી અને કાર્યોમાં ભારતને એકતાંતણે જોડી દીધું હતું. આ વિશે સરદાર પટેલે ઉચિત શબ્દોમાં કહ્યું હતું કે, 'ભારત વિવિધતા ધરાવતો દેશ છે. આપણાં જેટલી વિવિધતા અન્ય કોઈ દેશમાં નથી. જો ભારતનાં તમામ લોકોને એકસૂત્રમાં કોઈએ બાંધ્યા, તમામ લોકોને વિવિધ ભેદભાવો ભૂલીને અંગ્રેજો સામેની લડતમાં એક કર્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો દરજ્જો વધાર્યો હોય, તો એ મહાત્મા ગાંધી હતાં. અને તેમણે આ કામ ભારતની સાથે દક્ષિણ આફ્રિકામાં પણ કર્યું હતું. બાપુ દીર્ઘદ્રષ્ટા હતાં અને સ્થિતિસંજોગોને બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં સમજી શકતાં હતાં. તેઓ એમનાં છેલ્લાં શ્વાસ સુધી તેમનાં સિદ્ઘાંતોને વળગી રહ્યાં હતાં.'

 

૨૧મી સદીમાં મહાત્મા ગાંધીનાં વિચારો મહત્ત્વપૂર્ણ બની રહ્યાં છે અને વધુને વધુ પ્રસ્તુત બની રહ્યાં છે, કારણ કે તેમનાં વિચારોએ દુનિયાની કેટલાંક સમસ્યાઓનું સમાધાન કરવા ઉચિત સમાધાન પ્રસ્તુત કર્યા હતાં. આતંકવાદ, કટ્ટરવાદ અને ઝનૂની નફરતથી દુનિયા અનેક દેશો અને સમાજોમાં વિભાજીત થઈ ગઈ છે. આ સમયે મહાત્મા ગાંધીનું શાંતિ અને અહિંસાનું આહ્વાન માનવતાને એકતાંતણે બાંધવાની તાકાત ધરાવે છે.

જયારે અત્ર-તત્ર-સર્વત્ર અસમાનતા પ્રવર્તે છે, ત્યારે બાપુએ સમાનતા અને સાર્વભૌમિકતા પર ભાર મૂકયો છે, જેનાં પરિણામે લાખો વંચિતો માટે સમૃદ્ઘિનાં યુગની શરૃઆત થઈ શકે છે.

અત્યારે જળવાયું પરિવર્તન અને પર્યાવરણનું અસંતુલન ચર્ચાનાં કેન્દ્રમાં રહેલો મુદ્દો છે. એટલે દુનિયા ગાંધીજીનાં વિચારોને ધ્યાનમાં લઈ શકે છે. એક સદીથી વધારે સમય પહેલા વર્ષ ૧૯૦૯માં તેમણે માનવીય મહેચ્છાઓ અને માનવીય તૃષ્ણા વચ્ચેનો ફરક દુનિયાને સમજાવ્યો હતો. તેમણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતી વખતે સંયમ અને સંવેદનાની અપીલ કરી હતી તથા તેઓ પોતે આ માટે ઉદાહરણરૃપ બની ગયા હતાં. તેઓ પોતાનું શૌચાલય પોતે જ સાફ કરતાં હતાં અને આ રીતે આસપાસ સ્વચ્છતા સુનિશ્ચિત કરતાં હતાં. તેમણે પાણીના ઓછામાં ઓછા બગાડને પણ સુનિશ્ચિત કર્યો હતો. જયારે તેઓ અમદાવાદમાં હતાં, ત્યારે તેમણે ગંદુ પાણી સાબરમતીમાં ન જાય એ માટે ઘણી કાળજી રાખી હતી.

થોડાં સમય અગાઉ મહાત્મા ગાંધીએ લખેલું એક વ્યાપક અને સંક્ષિપ્ત લખાણ મારા ધ્યાનમાં આવ્યું હતું. બાપુએ વર્ષ ૧૯૪૧માં 'રચનાત્મક કાર્યક્રમઃ તેનું અર્થઘટન અને સ્થાન' પર પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે પોતે ૧૯૪૫માં સુધારા-વધારા કર્યા હતાં. આ લખાણમાં બાપુએ ગ્રામીણ વિકાસ, કૃષિ વ્યવસ્થાને મજબૂત કરવી, સાફ-સફાઈમાં વધારો, ખાદીને પ્રોત્સાહન, મહિલાઓનું સશકિતકરણ, આર્થિક સમાનતા જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃતપણે વાત કરી હતી.

હું મારાં સાથી ભારતીયોને ગાંધીજીનું પુસ્તક 'રચનાત્મક કાર્યક્રમ'(આ પુસ્તક ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પર ઉપલબ્ધ છે) નો અભ્યાસ કરવાં વિનંતી કરું છું અને એ આપણને બાપુનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કેવી રીતે કરી શકીએ એ માટે માર્ગદર્શક બનાવી શકે છે. 'રચનાત્મક કાર્યક્રમ'માં ઘણાં મુદ્દાઓ અત્યારે સંપૂર્ણપણે પ્રસ્તુત છે અને ભારત સરકાર આદરણીય બાપુએ સાત દાયકા અગાઉ સેવેલા ઘણાં સ્વપ્નો સાકાર કરી રહી છે, જે અત્યારે પણ અધૂરાં છે.

ગાંધીજીનાં વ્યકિતત્વનાં સૌથી સુંદર પાસાઓમાંનું એક પાસું એ હતું કે, તેમણે દરેક ભારતીયનાં મનમાં ભારતની આઝાદી માટે કામ કરી રહ્યાં છે એવી ભાવના જન્માવી હતી. તેમણે શિક્ષક, વકીલ, ડોકટર, ખેડૂત, મજૂર, ઉદ્યોગસાહસિક એમ દરેકનાં હૃદયમાં એ લાગણી જન્માવી હતી કે તેમનું દરેક કાર્ય ભારતની આઝાદીમાં યોગદાન સમાન છે.

અત્યારે એ જ રીતે ચાલો આપણે ગાંધીજીનાં સ્વપ્નને સાકાર કરી એવા દરેક પાસાં પર વિચાર કરીએ અને એનો અમલ કરીએ. એની શરૃઆત સરળતાપૂર્વક થઈ શકે છે, કારણ કે ખાદ્ય પદાર્થોનો જરાં પણ બગાડ ન કરવાથી અહિંસા અને એકતાનાં મૂલ્યો સુનિશ્ચિત થાય છે.

ચાલો આપણે વિચારીએ કે આપણી કામગીરી કેવી રીતે ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળા વાતાવરણમાં યોગદાન કરી શકે છે. જયારે આઠ દાયકા અગાઉ પ્રદૂષણનું જોખમ નહોતું, ત્યારે મહાત્મા ગાંધીએ સાઇકલ અપનાવી હતી. અમદાવાદવાસીઓમાંથી કેટલાંક લોકોને યાદ હશે કે, ગાંધીજી ગૂજરાત વિદ્યાપીઠથી સાબરમતી આશ્રમ સુધી સાયકલ પર જતાં હતાં. હકીકતમાં મેં વાંચ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો પ્રથમ સત્યગ્રાહ લોકોને સાઇકલિંગ કરતાં અટકાવતા કાયદાઓ સામે હતો. વકીલ તરીકે સારી એવી કમાણી થતી હોવા છતાં ગાંધીજી જહોનિસબર્ગમાં સાઇકલનો ઉપયોગ કરતાં હતાં. કહેવાય છે કે, જહોનિસબર્ગમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે ગાંધીજી સાઇકલ પર અસરગ્રસ્ત વિસ્તારો સુધી જતા હતાં અને રાહત કામગીરીની શરૃ કરી હતી. આપણે અત્યારે આ જુસ્સો દાખવી શકીએ?

અત્યારે ભારતભરમાં તહેવારની સિઝન ચાલે છે અને ભારતીયો નવા વ સ્ત્રો, ભેટસોગાદો, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે ઘણી બધી ચીજવસ્તુઓની ખરીદી કરશે. આ ખરીદી દરમિયાન ગાંધીજીએ તાલીમ સ્વરૃપે આપણને આપેલા વિચારોને વિવેકબુદ્ઘિ સાથે ઉપયોગ કરવાનું  ભૂલતાં નહીં. ચાલો આપણે વિચારીએ કે આપણાં સાથી ભારતીયોનાં જીવનમાં આપણે આપણી કામગીરીથી સમૃદ્ઘિનો દીપ કેવી રીતે પ્રગટાવી શકીએ. ખાદીનું ઉત્પાદન હોય કે પછી ભેટસોગાદ હોય કે ખાદ્ય સામગ્રી હોય, આપણે આપણાં ભારતીયોને સારું જીવન જીવવા માટે મદદ કરીએ છીએ. આપણે કયારેય તેમને જોયા ન હોય એવું બની શકે છે કે આપણે આપણાં જીવનમાં તેમને કયારેય ન મળીએ એવું પણ બની શકે છે. જોકે બાપુને ગર્વ થશે કે આપણી કામગીરીથી આપણે સાથી ભારતીયોને મદદ કરી રહ્યાં છીએ.

છેલ્લાં ચાર વર્ષથી ૧૩૦ કરોડ ભારતીયોએ સ્વચ્છ ભારત અભિયાન સ્વરૃપે મહાત્મા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી છે. દરેક ભારતીયની મહેનત સાથે આજે ચાર વર્ષ પૂર્ણ કરનાર સ્વચ્છ ભારત અભિયાને જીવંત જન આંદોલન તરીકે પ્રશંસનીય પરિણામો આપ્યાં છે. અત્યારે ૮૫ મિલિયન કુટુંબોને પહેલી વાર શૌચાલયોની સુવિધા મળી છે. ૪૦૦ મિલિયનથી વધારે ભારતીયોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકિત મળી છે. ચાર વર્ષનાં ટૂંકા ગાળામાં સાફસફાઈનો વ્યાપ ૩૯ ટકાથી વધીને ૬૫ ટકા થયો છે. અત્યારે ૨૧ રાજયો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ૪.૫ લાખ ગામડાંઓ ખુલ્લામાં મળોત્સર્જનથી મુકત થયા છે.

સ્વચ્છ ભારત અભિયાન સન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આ કરોડો મહિલાઓ માટે આશીર્વાદરૃપ છે, જેના પરિણામે દરરોજ સવારે તેમને કુદરતી હાજતે મોં છુપાઈને જવાની જરૃર નથી અને ભારતનાં બાળકોને સાફસફાઈનાં અભાવે કેટલાંક રોગોનું જોખમ પણ દૂર થયું છે.

થોડાં દિવસ અગાઉ રાજસ્થાનમાંથી એક દિવ્યાંગ ભાઈએ 'મન કી બાત' કાર્યક્રમમાં મારી સાથે વાત કરી હતી. આ દ્રષ્ટિહિન ભાઈએ જણાવ્યું હતું કે કેવી રીતે એમનાં જીવનમાં એમની માલિકીનાં શૌચાલયે અતિ સકારાત્મક પરિવર્તન લાવી દીધું છે. એમની જેમ કેટલાંક દિવ્યાંગ ભાઈઓ અને બહેનો આ સુવિધાને પસંદ કરે છે, જેમને જાહેરમાં કુદરતી હાજતે જવાની પ્રતિકૂળતામાંથી મુકિત મળી છે. મને એમનાં આશીર્વાદ હંમેશા મળતાં રહેશે.

અત્યારે મોટાભાગના ભારતીયોને સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થવાનું નસીબ નથી પ્રાપ્ત થયું, આપણે દેશ માટે શહીદ નથી થઈ શકયાં, પણ અત્યારે દેશ માટે જીવવું જરૃરી છે તથા આપણાં સ્વતંત્રતા સેનાનીઓનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવા શકય એટલું કાર્ય કરવાનો આપણને મોકો મળ્યો છે.

અત્યારે આપણી પાસે બાપુનાં સ્વપ્ન સાકાર કરવાની સારામાં સારી તક છે. આપણે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે અને મને ખાતરી છે કે આપણે આગામી સમયમાં હજુ ઘણી વધારે અગત્યના કાર્યો કરીશું.

બાપુનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને કહિયે જે, પીડ પરાઈ જાણે રે' હતું, જેનો અર્થ છે કે, 'બીજાની પીડાને અનુભવે એ સાચો વૈષ્ણવ જન, એ જ સારી વ્યકિત.' આ ભાવનાએ જ તેમને અન્ય લોકો માટે જીવતાં શીખવ્યું હતું. અત્યારે આપણે ૧.૩ અબજ ભારતીયો બાપુનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવા ખભેખભો મિલાવીને કામ કરવા કટિબદ્ઘ છીએ, જે માટે બાપુએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંતમાં જણાવેલ.

(6:23 pm IST)