Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ભારત- ઉઝબેકિસ્તાન વચ્ચે ૧૭ કરારઃ સંરક્ષણ, કૃષિ અને વિજ્ઞાન ક્ષેત્રે એકમેકને સહયોગ આપશે

આતંકવાદ વિરોધી સંયુકત કાર્યવાહી કરવા બન્ને દેશ સમંત

નવીદિલ્હી,તા.૨: વડાપ્રધાન મોદી અને ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિરઝિયાવોએ સંરક્ષણ અને આતંકવાદી વિરોધી જેવા મહત્ત્વના વિસ્તારમાં સહકાર વધારવા અને દ્વીપક્ષીય ભાગીદારીની શકયતાને વ્યાપક બનાવવા સર્વગ્રાહી ચર્ચા કરી હતી. બંને પક્ષોએ અન્ય બાબતો ઉપરાંત સંરક્ષણ, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ૧૭ કરાર કર્યા હતા. જેને ઉઝબેકના પ્રમુખ શોકત મિરઝિયાવોએ ઐતિહાસિક ગણાવ્યા હતા.

બંને નેતાઓએ અફઘાનિસ્તાનની સ્થિતિ સહિત અને ક્ષેત્રિય મુદ્દે ચર્ચા કરી હતી અને એવો સુર વ્યકત કર્યો હતો કે યુધ્ધગ્રસ્ત અફઘાનમાં શાંતિ લાવવા ચર્ચા જ એકમાત્ર ઉકેલ છે. બંને દેશો સંયુકત લશ્કરી કવાયત આતંકવાદ વિરોધી ઓપરેશન અને મિલટ્રી તાલીમ તેમજ મેડિસિન્સ ક્ષેત્રે પણ સહકાર વધારવા સમંત થયા હતા. 'અમારી ચર્ચા ખૂબ જ સર્વગ્રાહી રહી હતી. બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વધારવાનો સંકલ્પ કર્યો હતો' એમ મોદીએ કહ્યું હતું.

તો આ તરફ શૌકત મિરઝિયાવોએ કહ્યું હતું કે ભારત સાથેની વ્યુહાત્મક ભાગીદારી ઉઝબેકિસ્તાનની સૌથી મહત્ત્વની પ્રાથમિકતાઓ પૈકીની એક હતી. ભારત- ઉઝબેકિસ્તાનના સબંધોમાં સંરક્ષણ સૌથી મહત્ત્વનો પરિબળો હતો. આ મામલે બંને દેશોએ સંરક્ષણ સબંધો મજબુત કરવા અને તેને વધારવા એક બીજા સાથે ગાઢ રીતે કામ કરવા તૈયારી દર્શાવાઈ હતી.

બંને દેશોએ ઈન્ટરનેટ આતંકવાદ અંગે એક સર્વગ્રાહી સંમેલન બોલાવવાની તૈયારી બતાવી હતી. ઉઝબેકિસ્તાન એના દિલ્હી સ્થિત દૂતાવાસમાં એક સંરક્ષણ પાંખ ઊભી કરશે. શૌકત મિરઝિવાયોએ નોંધ્યું હતું કે બંને દેશો વચ્ચે તંદુરસ્ત સબંધો હોવા છતાં પણ બંને વચ્ચેનો વેપાર માત્ર ૩૦ કરોડ ડોલરનો જ હતો, જો કે મોદીએ કહ્યું હતું કે બંને દેશોએ દ્વીપક્ષીય વેપારને એક અબજ ડોલર સુધી પહોંચાડવા નિર્ણય કર્યો હતો.(૩૦.૩)

 

(12:05 pm IST)