Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

મોદીજીના વખાણ કરવા એ ઘાસની ગંજીમાંથી સોય ગોતવા જેવું

જયરામ, થરૂર, સીંધવી વડાપ્રધાનના વખાણ કરે છે ત્યારે સલમાન ખુર્શીદનું સાવ ઉલ્ટું !! : ૬૬ વર્ષીય સલમાન ખુર્શીદ કહે છે કે ગાંધી પરિવાર કોંગ્રેસનો આધારબિંદુ

નવી દિલ્હી, તા. ર : કોંગ્રેસી આગેવાનો જયરામ રમેશ, અભિષેક મનુ સિંઘવી અને શશી થરૂર જેવા સંખ્યાબંધ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સારૂ કામ કરે છે ત્યારે તેમના વખાણ કરવા જોઇએ તેમ કહી ચૂકયા છે ત્યારે કોંગ્રેસના ૬૬ વર્ષીય સિનિયર આગેવાન સાવ ઉલ્ટુ જ કહી રહ્યા છે તેમના કહેવા મુજબ નરેન્દ્રભાઇ મોદીના વખાણ કરવા એ ઘાસની ગંજીમાંથી સોપ શોધવા જેવું છે અને ગાંધી પરિવાર  આજની કોંગ્રેસના આધારબિંદુ જેવો છે તેમનો વિકલ્પ શોધવો મુશ્કેલ છે.

વડાપ્રધાન મોદીના વખાણ કરવા અંગે પક્ષના વરિષ્ઠ નેતાઓના નિવેદનના સંદર્ભમાં ખુર્શીદે જણાવ્યું હતું કે, 'મારી દૃષ્ટિએ મોદીના વખાણ કરવા એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે.' જયરામ રમેશ અને અન્ય નેતાઓએ મોદીને હંમેશા ખલનાયક નહીં ગણાવવાનું સૂચન કર્યું છે. ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ મોદીના સંદર્ભમાં 'ચોક્કસ કેસો'ના સંદર્ભમાં પ્રતિભાવ આપી શકેનહીં, કારણ કે તેનાથી વધુ ગુંચવણ ઉભી થશે.

પક્ષના ભવિષ્યમાં ગાંધી પરિવારની ભૂમિકા અંગે વાત કરતા ૬૬ વર્ષીય સલમાન ખુર્શીદે કહ્યું કે ગાંધી પરિવાર આજની કોંગ્રેસનો આધારબિંદુ છે તે વાસ્તવિકતા છે. ભાજપ શું કહેશે તે અથવા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લીધા વિના અમારૃં હજી પણ માનવું છે કે ગાંધી પરિવારે જ પક્ષનું નેતૃત્વ કરવું જોઇએ.

સોનિયા ગાંધીએ લાંબા સમય સુધી પક્ષનું નેતૃત્વ કરવું જોઇએ કે કેમ તે અંગે ખુર્શીદે કહ્યું હતું કે પક્ષમાં ટોચના પદે ગાંધી પરિવારની ગેરહાજરીથી પક્ષ માટે વિકલ્પ શોધવો મુશ્કેલ બની જશે. સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે યોગ્ય  વિકલ્પ છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ખુર્શીદે જણાવ્યું કે આ બાબત અંગે તેઓ કશું કહી શકે તેમ નથી.

(4:06 pm IST)