Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અયોધ્યા કેસ : મુસ્લિમ પક્ષ તરફથી રજૂ કરાયેલ દલીલો

૧૬ દિવસ સુધી હિન્દુ પક્ષની દલીલો ચાલી હતી : મુસ્લિમ પક્ષ તરફથી હવે દલીલોનો દોર ચાલશે : સમગ્ર મામલામાં નવેમ્બર સુધી ચુકાદો આવે તેવી પ્રબળ શક્યતા

નવીદિલ્હી,તા.૨ : રામમંદિર બાબરી મસ્જિદ મામલામાં સુનાવણી પૂર્ણ થવા આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે આજે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળવાની શરૂઆત કરી હતી. સુનાવણી થતાં પહેલા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને મળેલા ધમકીભર્યા પત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેઓ આ વિષય ઉપર આવતીકાલે સુનાવણી કરશે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા કોર્ટે ૧૬ દિવસ સુધી હિન્દુ પક્ષની દલીલો સાંભળી હતી. હિન્દુ પક્ષ તરફથી રામલલ્લા બિરાજમાન, નિર્મોહી અખાડાએ પોતાની રજૂઆત કરી છે. રાજીવ ધવને પોતાની સુનાવણી કરતી વેળા કહ્યું હતું કે, તેઓ માફી માંગવા ઇચ્છુક છે. મિડિયામાં પોતાની ટિપ્પણી અને વરિષ્ઠ વકીલ પીએમ મિશ્રા પર કરવામાં આવેલી ટિપ્પણી પર માફી માંગે છે. સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવન તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી. તેમના તરફથી જણાવવામાં આવ્યું હતું કે, પરિક્રમા પુજાના એક પ્રકાર તરીકે છે જે સંદર્ભમાં હિન્દુ પક્ષકારોએ દલીલો કરી હતી પરંતુ તે પુરાવા હોઈ શકે નહીં.

        હિન્દુ પક્ષકારોએ આક્રમક દલીલો કરી છે તેઓ તેમાં જવા ઇચ્છતા નથી. બીજા પક્ષકાર હિન્દુ પક્ષકારોમાં કોઇએ પણ તથ્ય પર ધ્યાન આપ્યું નથી. માત્ર ગોપાલસિંહ વિસારદ દ્વારા તથ્યો પર દલીલો કરવામાં આવી હતી. ૨૦ દિવસમાં મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થાય તેમ માનવામાં આવે છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી રાજીવ ધવન દલીલો કરી રહ્યા છે. ૨૦ દિવસનો સમય લેવા માટે તેઓ ઇચ્છુક છે. જો ૨૦ દિવસનો સમય લેશે તો પણ સુપ્રીમ કોર્ટની પાસે નિર્ણય લેવામાં એક મહિનાથી વધુ સમય રહેશે. ૧૬ દિવસની સુનાવણીમાં હિન્દુ પક્ષકારો તરફથી જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ બાબતોને પ્રમાણિકતા સાથે રજૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર હવે તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે. નવેમ્બરમાં ચુકાદો આવે તેવી શક્યતા છે. મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છઠ્ઠી ઓગસ્ટના દિવસે શરૂ થઇ હતી.

(9:13 pm IST)