Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ભાદરવે અષાઢી રમઝટઃ રાત્રે વિજળીના કડાકા-ભડાકા

રાજકોટમાં ૮ ઇંચ આજી-ન્યારી છલકાયા

રાજકોટવાસીઓની પાણીની આવતા આખા વર્ષની નિરાંત : આ વર્ષે ન્યારી-૧ ડેમ ચોથી વખત છલોછલઃ એલર્ટ જાહેરઃ હેઠવાસના ગામોને સાવચેત રહેવા મેયર સહિતનાં પદાધિકારીઓની ચેતવણીઃ ડેમની સપાટી ૨૪.૮૦ ફુટે પહોંચી

ન્યારીનો નયનરમ્ય નજારો (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨: ગુજરાત ઉપર સર્જાયેલા સાયકલોનીક સકર્યુલેશનને કારણે ગઇકાલે રાત્રે રાજકોટમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયુ હતું. સવારના ૮.૩૦ કલાક સુધીમાં ૮ ઇંચ જેટલો ધીંગો વરસાદ વરસતા રાજકોટને પાણી પુરૂ પાડતા બંને ડેમ આજી-૧ અને ન્યારી-૧ ડેમ છલકાઇ જતા રાજકોટવાસીઓની ૧ વર્ષની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ભાદરવે અષાઢી માહોલ છવાયો હોય તેવો ગઇકાલે રાતના વરસાદ વરસ્યો હતો. રાજકોટના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ જતા તંત્ર કામે લાગ્યુ હતું. રાજકોટની શાન ગણાતો આજી ડેમ ૪ વર્ષ બાદ આજે ફરી ઓવરફલો થતા રાજકોટવાસીઓ રાજીના રેડ થઇ ગયા હતા. આ ડેમની સપાટી ૨૯ ફૂટની છે અને છેલ્લે તે ૨૦૧૫માં છલકાયો હતો. જો કે, તે પછી સૌની યોજનાથી આજી ડેમ સતત ભરવામાં આવતો હતો.

શહેરની ભાગોળે કાલાવડ રોડ પાસે આવેલો અને કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતો ન્યારી-૧ ડેમ ચાલુ ચોમાસામાં સતત ચોથી વખત છલોછલ ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થવાની તૈયારીમા હોઈ, હેઠવાસના ગામોને સાવચેત રહેવા માટે ચેતવણી મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને વોટરવર્કસ કમીટીના ચેરમેન બાબભાઈ આહીર દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ અગાઉ કુલ ૨૧.૭૫  ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમની ઊંચાઈમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મીટર(૩.૨૮ ફૂટ)નો વધારો કરીને ડેમની સંગ્રહ ક્ષમતામાં અગાઉની તુલનાએ ૩૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેમજ ડેમમાં ગેઈટ પણ મુકવામાં આવ્યા છે. જેથી, હાલ ડેમની કુલ ઊંડાઈ ૨૫ ફૂટ થઇ છે. કુલ ૨૫ની ઊંડાઈના ન્યારી-૧ ડેમની સપાટી આજે સવારે ૨૪.૮૦ ફૂટે પહોંચી ગઈ છે અને હવે ૦.૨૦ ફુટ નવું પાણી આવતાની સાથે ડેમ ઓવરફ્લો થશે. ચાલુ વર્ષે પ્રથમવાર જ ડેમને પૂર્ણ સપાટી સુધી ભરવાની નિર્ણય લેવાયો હતો અને મેદ્યરાજાએ કૃપા કરતા. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ પણ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જયારે આજે ન્યારી-૧ ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજ સાંજ સુધીમાં ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થઇ જશે તેવી આશા મેયરે વ્યકત કરેલ છે.

ન્યારી-૧ ડેમ કયારે કયારે છલકાયોઃ વિસ્તુત વિગત

રાજકોટઃ રાજકોટમ્યુ.કોર્પોરેશનનાં સતાવાર આંકડાકીય તરફ એક નજર કરીએતો ન્યારી-૧ ડેમ  ૨૨ જુન ૧૯૮૬માં પ્રથમ વખત ઓવર ફલો થયો હતો. ત્યારબાદ ૧૯૮૭, ૧૯૮૯, ૧૯૯૦, ૧૯૯૪, ૧૯૯૬, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૩માં ઓવરફલો થયાનું તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:15 pm IST)