Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

આવકવેરાના ૫.૬૫ કરોડ રિટર્ન્સ ભરાયાઃ મુદત પૂરી

૨૦૧૮-૨૦૧૯ના આકારણી વર્ષમાં આવકવેરાના કુલ ૫.૪૨ કરોડ રિટર્ન્સ ભરાયા હતા

નવી દિલ્હી, તા.૨: દેશમાં ૨૦૧૯-૨૦૨૦ના આકારણી વર્ષની મહેતલ ૩૧મી ઓગસ્ટે પૂરી થઇ હતી અને તેની પહેલાં આવકવેરાના ૫.૬૫ કરોડ રિટર્ન્સ ભરાયા હતા.આવકવેરાના રિટર્ન્સની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં ચાર ટકાનો વધારો થયો હતો. અગાઉ, ૨૦૧૮-૨૦૧૯ના આકારણી વર્ષમાં આવકવેરાના કુલ ૫.૪૨ કરોડ રિટર્ન્સ ભરાયા હતા.સરકારે ગયા વર્ષે આવકવેરાના રિટર્ન્સ ભરવાની મહેતલ કેરળના પૂરગ્રસ્તો માટે લંબાવીને ૨૦૧૮ની ૧૫મી સપ્ટેમ્બર સુધી કરી હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસના આંકડા મુજબ ૨૭મી ઓગસ્ટથી ૩૧મી ઓગસ્ટ સુધીમાં અંદાજે ૧,૪૭,૮૨,૦૯૫ લોકોએ આવકવેરાના ઓનલાઇન રિટર્ન્સ ભર્યા હતા. આ સંખ્યા ૨૦૧૮-૨૦૧૯ના આકારણી વર્ષની સરખામણીમાં ૪૨ ટકા વધુ છે.આવકવેરા વિભાગ કરદાતાઓની સમસ્યા ઉકેલવા માટે સોશિયલ મીડિયોનો પણ ઉપયોગ કરી રહ્યું છે.આવકવેરાના ૫.૬૫ કરોડ રિટર્ન્સમાંના ૩.૬૧ કરોડ રિટર્ન્સને વેરિફાઇ કરાયા છે.

(9:52 am IST)