Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

મને મુંબઈ પોલીસ ઉપર ભરોસો નથી : તનુશ્રી દત્તા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં પ્રતિક્રિયા : પોલીસ મોટેભાગે આવાના કેસો તપાસ વિના બંધ કરે છે

મુંબઈ, તા.૨ : સુશાંત સિંહ રાજપુરના આપઘાત મામલે બોલિવૂડના સેલેબ્રિટીઝના નિવેદનો સામે આવી રહ્યા છે. હવે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને સેક્શુઅલ હેરસમેન્ટ તથા મીટૂ મામલાના કારણે ચર્ચામાં રહેલી તનુશ્રી દત્તાનું પણ નિવેદન સામે આવ્યું છે. તનુશ્રીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના આપઘાત મામલામાં તેને મુંબઈ પોલીસની તપાસ પર બિલકુલ ભરોસો નથી અને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. તનુશ્રીએ ઈન્સ્ટાગ્રામના એક લાઈવ સેશનમાં કહ્યું, 'મુંબઈ પોલીસ પર સાચી તપાસ માટે વિશ્વાસ ન કરી શકાય. પોલીસ મોટેભાગે આ પ્રકારના કેસો તપાસ વિના જ બંધ કરી દે છે અને આરોપીઓ તથા રાજનેતાઓના હાથની કઠપૂતળી બની જાય છે.

               ' તનુશ્રીએ કહ્યું કે, પોલીસ માત્ર લોકોને બતાવવા માટે જ નિવેદનો નોંધવાનું નાટક કરે છે, કારણ કે મામલો તે સમયે ગરમ હોય છે. જોકે જણાવી દઈએ કે તનુશ્રીનો આ ઈન્સ્ટાગ્રામ વીડિયો ૨૩ જૂનનો છે. તનુશ્રીએ આગળ કહ્યું, આ કેસને સીબીઆઈએ હાથમાં લેવો જોઈએ અને તેમાં અંડરવર્લ્ડ સામેલ હોય તો ઈન્ટરપોલને તેને હાથમાં લેવો જોઈએ. મોટાભાગના આવા મામલામાં ક્રાઈમની પાછળ લોકોનું એક ગ્રુપ જવાબદાર હોય છે ન કે કોઈ ખાસ વ્યક્તિ. આ લોકો જનતાની ભાવનાઓ સાથે રમ છે અને તે વાતની રાહ જુએ છે કે ક્યારે આ કેસ બંધ થઈ જાય.પોતાના કેસ વિશે વાત કરતા તનુશ્રીએ કહ્યું, મારા કેસમાં પણ તેમણે આવું જ બતાવ્યું હતું કે કેટલી ચિંતા છે અને મહિનાઓ સુધી તપાસ ચાલતી રહી. મેં એફઆઈઆર દાખલ કરાવવા, પૂરાવાઓ જમા કરાવવા, સાક્ષી, વીડિયો ફુટેજ માટે ઘણો સમય અને એનર્જી ખર્ચ કરી. પરંતુ પોલીસે તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. હું માત્ર એટલા માટે બચી ગઈ કારણ કે હું આ ઝેરી વાતાવરણથી દૂર થઈ ગઈ હતી. અફસોસ તે વાતનો છે કે સુશાંત સિંહ રાજપૂત તેનાથી ન બચી શક્યા.

(10:20 pm IST)