Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કોરોના રસી ન હતી તો મોટા ઉપાડે આટલા બધા વેકિસનેશન સેન્ટરો કેમ ખોલ્યા? હાઇકોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને અવડે હાથ લીધી

નવી દિલ્હી તા. ૨ : વૅક્સિનની અછતને લઈને દિલ્હી હાઈકોર્ટે બુધવારે આમ આદમી પાર્ટીની સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે, જો દિલ્હી સરકાર લોકોને સમયસર ભારત બાયોકેટ દ્વારા બનાવવામાં આવેલી કોરોના વિરોધી રસી “કોવેક્સિન”નો ડોઝ પૂરો નહતી પાડી શકતી, તો પછી મોટા ઉપાડે આટલા બધા વૅક્સિનેશન સેન્ટર નહતા ખોલવા જોઈતા. આ મામલે હાઈકોર્ટે દિલ્હી સરકારને નોટિસ ફટકારીને જવાબ પણ માંગ્યો છે. Delhi vaccination centre

જસ્ટિસ રેખા પલ્લીએ દિલ્હી સરકારને નોટિસ ફટકારી તેમને સ્પષ્ટ કરવા કહ્યું છે કે, શું તે કોવૅક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલા લાભાર્થીઓને 6 સપ્તાહની સમય મર્યાદા સમાપ્ત થયા પહેલા બીજો ડોઝ પૂરો પાડી શકે છે?

દિલ્હી હાઈકોર્ટે બે અન્ય અરજીઓ સંદર્ભમાં કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલીને કહ્યું છે કે, રાજધાની દિલ્હીમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના બન્ને ડોઝ પૂરા પાડવામાં આવવા જોઈએ.

જણાવી દઈએ કે, દિલ્હીની કેજરીવાલ સરકાર સતત એવો દાવો કરી રહી છે કે, તેને પૂરતી વૅક્સિન નથી મળી રહી. જેના કારણે સરકારને અનેક વૅક્સિનેશન સેન્ટર બંધ કરવાની ફરજ પડી છે. કોવેક્સિન લેનારા લોકોને બન્ને ડોઝ વચ્ચે 6 સપ્તાહનું અંતર જાળવવાનું હોય છે, જ્યારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર નક્કી કરવામાં આવ્યું છે.

(5:48 pm IST)