Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કેન્દ્રને પગલે ગુજરાત : ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા રદ્દ

કોરોના સંકટને લઇ ગુજરાત સરકારે લાખો વિદ્યાર્થીઓને આપી રાહત : CBSE બાદ હવે GSEB ની બોર્ડની પરીક્ષા નહિ યોજાય : ધો. ૧૦ બાદ હવે ધો. ૧૨ની પરીક્ષા પણ રદ્દ થઇ : રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : ગઇકાલે લીધેલા નિર્ણય બાદ આજે સરકારે યુટર્ન લીધો

અમદાવાદ તા. ૨ : કોરોના સંકટને જોતા ગુજરાત સરકારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓને રાહત આપી છે. ગઇકાલે CBSE બોર્ડે ધો. ૧૨ની પરીક્ષા રદ્દ કરવાના લેવાયેલા નિર્ણય બાદ હવે ગુજરાત સરકારે પણ આજે ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં ધો. ૧૦ બાદ હવે ધો. ૧૨ની પરીક્ષા પણ રદ્દ થતાં કોરોના કાળમાં વાલીઓએ રાહત અનુભવી છે.

ગુજરાતમાં ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવી કે નહિ તે અંગે આખરે સરકારે નિર્ણય લઈ લીધો છે. ગુજરાત સરકારે ૧ જુલાઈથી લેવાનારી ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આજે યોજાયેલા કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ વર્ષની CBSE ધોરણ-૧૨ની પરીક્ષા રદ્દ કરી હતી. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેસ સંબોધનમાં જણાવ્યું કે, ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા રદ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, ગુરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ૭ જુન થી ઓનલાઇન શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-૧૨ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાતમાં પણ રાજય સરકાર તાત્કાલિક ધોરણ ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચાર વિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી ઉઠી હતી.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને CBSEના ધોરણ-૧૨ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે પણ GSEBની ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ધોરણ-૧૨ અને ૧૦ના રીપિટર મળીને ૧૦ લાખની વધુ વિદ્યાર્થીઓ ફકત એક મહિના પછી કોરોના માહોલ વચ્ચે પરીક્ષા કેવી રીતે આપશે તે સવાલ ઉભો થયો હતો. ત્યારે કેન્દ્ર સરકારના તર્જ પર રાજય સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ-૧૨દ્ગક ૧ જુલાઈથી લેવાનારી પરીક્ષા રદ કરી દીધી છે.

કેન્દ્ર સરકારે આગામી સમયમાં લેવાનારી CBSEની પરીક્ષાને કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને જ રદ કરી હતી. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવારે જ ૧ જુલાઈથી ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ના રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જો કે, ત્યારબાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષો રદ કરતા રાજય સરકાર અસમંજસમાં મુકાઈ ગઈ હતી.

રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં CBSEની ધોરણ-૧૨ની પરીક્ષાઓ આ વર્ષે નહીં યોજવાની જાહેરાત કરી હતી. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરીને રાજય સરકારે વડાપ્રધાનના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી રાજય સરકાર ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરશે. શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આગામી ૭મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજયુકેશનની પદ્ઘતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદીએ બાળકોના હિતમાં CBSEની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતું. કારણે કે, ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમે નિર્ણય લીધો હતો. જેના કારણે ટાઈમ ટેબલ જાહેર કર્યા બાદ પરીક્ષા રદ કરવી કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડી રાત સુધી સીએમ, શિક્ષણમંત્રી સહિતના અધિકારીઓ વચ્ચે બેઠકો યોજાઈ હતી. જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવામાં આવી હતી. જયારે આજે મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજય સરકારની પરીક્ષા રદ કરવાની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

(3:07 pm IST)