Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

બાંગ્‍લાદેશના લોકો ભારત કરતા વધારે શ્રીમંત

બાંગ્‍લાદેશની વ્‍યકિતદીઠ આવક પાકિસ્‍તાન કરતા ૪૫ ટકા વધાર

નવી દિલ્‍હી, તા. ૨ :. લગભગ ૫૦ વર્ષ પહેલા પાકિસ્‍તાનથી અલગ થઈને બાંગ્‍લાદેશ એક સ્‍વતંત્ર દેશ બન્‍યો હતો. બાંગ્‍લાદેશના ઘડવૈયાઓએ તે વખતે તેનાથી વધુ શકિતશાળી અને અમીર દેશ પાકિસ્‍તાનથી સ્‍વતંત્ર જાહેર કર્યો હતો. બાંગ્‍લાદેશને ભૂખમરા અને યુધ્‍ધ વચ્‍ચે આ આઝાદી મળી હતી. લાખો લોકો કાં તો ભારત ભાગી ગયા અથવા પાકિસ્‍તાની સૈનિકોએ તેમને મારી નાખ્‍યા, તે વખતે ભાગ્‍યે જ કોઈએ વિચાર્યુ હશે કે વ્‍યકિતદીઠ આવકની બાબતે ૫૦ વર્ષ પછી બાંગ્‍લાદેશ ભારત અને પાકિસ્‍તાનથી પણ આગળ નીકળી જશે. છેલ્લા ૫૦ વર્ષોમાં આ મુશ્‍કેલ પરિસ્‍થિતિ સામે લડીને આજે બાંગ્‍લાદેશ વિકાસના પથ પર અગ્રેસર છે. હાલમાં જ જે રીપોર્ટ જાહેર થયો છે તેના અનુસાર બાંગ્‍લાદેશની માથાદીઠ આવકમાં ૯ ટકાનો વધારો થયો છે. બાંગ્‍લાદેશન કેબીનેટ સચિવે જણાવ્‍યુ કે ગયા વર્ષની સરખામણીમાં અમારા દેશમાં માથાદીઠ આવકમાં ૯ ટકાનો વધારો થયો છે અને હવે તે ૨૨૨૭ ડોલરે પહોંચી ગઈ છે.

બાંગ્‍લાદેશની સરખામણીમાં પાકિસ્‍તાનની વાત કરીએ તો ત્‍યાં માથાદીઠ આવક ૧૫૪૩ ડોલર છે. મહત્‍વની વાત એ છે કે ૧૯૭૧માં બાંગ્‍લાદેશ જ્‍યારે આઝાદ થયો ત્‍યારે પાકિસ્‍તાન બાંગ્‍લાદેશની તુલનામાં ૭૧ ટકા વધારે અમીર હતો, પણ ૫૦ વર્ષોમાં આજે બાંગ્‍લાદેશ પાકિસ્‍તાન કરતા ૪૫ ટકા વધારે અમીર છે. હાલમાં જ એક પાકિસ્‍તાની અર્થશાસ્‍ત્રીઓ કહ્યું હતુ કે એ દિવસો દૂર નથી કે આપણે બાંગ્‍લાદેશ પાસેથી આર્થિક મદદ માગવાનો વારો આવે. ભારત સાથે સરખામણી કરવામાં આવે તો ભારતની માથાદીઠ આવક ૧૯૪૭ ડોલર છે. બાંગ્‍લાદેશનો વિકાસ મુખ્‍યત્‍વે ત્રણ સ્‍થંભ પર આધારીત છે. નિકાસ, સામાજીક વિકાસ અને રાજકોષીય વિવેક ૨૦૧૧થી ૨૦૧૯ દરમ્‍યાન બાંગ્‍લાદેશની નિકાસમાં દર વર્ષે ૮.૬ ટકાનો વધારો થયો છે જ્‍યારે આખા વિશ્વની સરેરાશ નિકાસ ૦.૪ ટકા છે.

(11:44 am IST)