Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સ્ટડીના ચોંકાવનારા તારણો

કોરોનાને કારણે તણાવથી પરેશાન લોકોને આપઘાતના આવે છે વિચાર !

ભવિષ્ય માટેની એક નવી આશાથી તણાવમાં રહેતા લોકોને આ પ્રકારના વિચારોથી દૂર કરી શકાય છે

નવી દિલ્હી તા. ૨ : એક સ્ટડી અનુસાર કોરોના મહામારીને કારણે માત્ર શારીરિક સ્વાસ્થ્ય કે અર્થવ્યવસ્થા પર જ અસર નથી થઈ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ છે. જેના કારણે આપઘાતના દરમાં વધારો થયો છે. વેલ્સમાં સ્વાનસી યુનિવર્સિટી કાર્ડિફ યુનિવર્સિટી અને વેલ્સ ફણ્લ્દ્ગક્ન સંશોધનકર્તાઓની ટીમના નેતૃત્વ હેઠળ આ અભ્યાસ કરવામાં આવ્યો છે. સ્ટડી અનુસાર કોવિડના કારણે તણાવ સર્જાતા આપઘાતના વધુ વિચાર આવે છે. આ અભ્યાસમાં ૧૨,૦૦૦ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વોલન્ટીઅર્સને UKના પહેલા લોકડાઉન વિશે અનુભવ શેર કરવાનું કહ્યું હતું. જર્નલ અરકાઈવ્સ ઓફ સ્યુસાઈડ રિસર્ચમાં તેના પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં સોશ્યલ આઈસોલેશન, ઘરેલુ દુર્વ્યવહાર, સંબંધની સમસ્યાઓ અને નાણાંકીય સમસ્યાઓ સાથે આપઘાતના વિચારો જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

જોકે, આ સમસ્યાનો સામનો કરતા દરેક વ્યકિતને આપઘાતના વિચાર આવતા હોય તે જરૂરી નથી. ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં આશાઓ ધરાવતા લોકો પર આવા દબાણની ઓછી અસર થાય છે.

સ્વાનસી યુનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું કે, 'આ સ્ટડીની મદદથી જાણી શકાય છે કે કેવા પ્રકારના તણાવને કારણે લોકોને આપઘાતના વિચાર આવે છે. લોકડાઉનમાંથી બહાર આવવાને કારણે આ પ્રકારના આપઘાતના વિચારોમાં ઘટાડો આવી થઇ છે, પરંતુ કેટલાક લોકોને સતત આ પ્રકારના વિચારો આવે છે.'

કાર્ફિડ યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ સ્નોડેને જણાવ્યું કે, 'આ પ્રકારના તણાવથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું છે. આ કઠિન સમયમાં લોકોમાં ભવિષ્ય માટેની એક નવી આશા લાવવાની જરૂર છે, જેથી તેઓ આ સમયમાંથી પસાર થઈ શકે.'

રિસર્ચરો અનુસાર ભવિષ્ય માટેની એક નવી આશાથી લોકોમાં આ પ્રકારના તણાવ અને વિચારોને દૂર કરી શકાય છે.

સ્વાનસી યુનિવર્સિટીના જેમ્સ નોલ્સે જણાવ્યું કે, 'આ સંકટ માટેના લોકોના રિસ્પોન્સીસ ડિપ્રેશનના સરળ માર્ગને અનુસરતા નથી. આ સંકટમાં લોકોની પરિસ્થિતિ યોગ્ય થઈ છે કે નહીં, કે પછી આ પરિસ્થિતિમાં શું લોકો વધુ ઈમ્યુન થઈ રહ્યા છે કે કેમ, તે વિશે કંઈ પણ કહી શકાય નહીં. આ પરિસ્થિતિમાં લોકોને યોગ્ય રિસ્પોન્સ આપીને પીડિત લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મદદ કરી શકીએ છીએ.'

તમને અથવા અન્ય કોઈને મદદની જરૂરિયાત હોય તો આ હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આસરા (મુંબઈ) ૦૨૨-૨૭૫૪૬૬૬૯, સ્નેહા (ચેન્નઈ) ૦૪૪-૨૪૬૪૦૦૫૦, સુમૈત્રી (દિલ્હી) ૦૧૧-૨૩૩૮૯૦૯૦, કૂજ (ગોવા) ૦૮૩૨- ૨૨૫૨૫૨૫, જીવન (જમશેદપુર) ૦૬૫-૭૬૪૫૩૮૪૧, પ્રતિક્ષા (કોચી) ૦૪૮-૪૨૪૪૮૮૩૦, મૈત્રી (કોચી) ૦૪૮૪-૨૫૪૦૫૩૦, રોશની (હૈદરાબાદ) ૦૪૦-૬૬૨૦૨૦૦૦, લાઈફલાઈન (કોલકાતા) ૦૩૩-૬૪૬૪૩૨૬૭.

(11:06 am IST)