Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પત્નીએ ભોજન સાથે સલાડ ન આપ્યું : તો પતિએ કરી નાંખી હત્યા

ગુસ્સે થયેલા પતિએ કુહાડીથી હુમલો કર્યો : માતાને બચાવવાના પ્રયત્નમાં પુત્ર પણ ગંભીર રીતે ઘવાયો : પત્નીની હત્યા કરી પતિ ફરાર, પોલીસ ચોતરફ શોધ કરી રહી છે : પુત્રને સ્થાનિક દવાખાનામાં સારવાર માટે ખસેડાયો

લખનઉ,તા.૨: કોરોના મહામારી અને લોકડાઉન જેવા કપરા સમયે લોકોની માનસિકતા ફેરવી નાંખી છે. આ સમયગાળમાં જયાં ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો ત્યાં હવે નજીવી બાબતે ઘરેલુ હિંસા દરમિયાન હત્યાના કેસો પણ વધી રહ્યા છે.હાલમાં જ સામે આવેલા ઘરેલુ હિંસાના કેસમાં પતિએ તેની પત્ની હત્યા એટલા માટે કરી નાંખી કે ભોજન આપતી વેળાએ તેની પત્નીએ સલાડ ન આપ્યું. આટલી વાતથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની અને પુત્ર પર ઘાતક હુમલો કરી દીધો. જેમાં પત્નીનું મોત થયું અને પુત્ર ગંભીર રીતે ઘવાયો.

આ કિસ્સો ઉત્ત્।ર પ્રદેશના શામલી જિલ્લાનો છે જયાં પત્ની હત્યા કરીને પતિ ફરાર થવામાં પણ સફળ થયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તેની તપાસ હાથ ધરી છે. દંપતીનો પુત્ર હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સોમવારે બની જયારે ભોજન આપતા સમયે પત્ની સલાડ આપવાનું ભૂલી ગઇ અને ગુસ્સામાં આવેલા પતિએ પત્ની પર કુહાડીથી હુમલો કરી દીધો. માતાને બચાવવાના પ્રયત્નમાં પુત્ર પણ ગંભીર રીતે ઘવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દેશમાં કોરોના મહામારી ભારે કહેર વર્તાવી રહી છે, જેના પર અંકુશ મેળવવાના પ્રયત્નમાં પહેલા સરકારે અને હવેથી રાજય સરકારો લોકડાઉન જેવા પ્રતિબંધો મૂકી રહી છે. આ સમયગાળામાં દેશભરમાં ઘરેલુ હિંસાના બનાવોમાં ભારે વધારો નોંધાયો હતો. જેની પાછળ તણાવ, આર્થિક સંકટ, ભૂખમરો, બેરોજગારી જેવા કારણો માનવામાં આવે છે.

(10:39 am IST)