Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પાયલોટ્સની સેવા સમાપ્તીનો નિર્ણય રદ, પુનઃ લેવા આદેશ

એર ઈન્ડિયાના પાયલોટ્સને રાહત આપતો ચુકાદો : દિલ્હી હાઈકોર્ટે એર ઈન્ડિયાના પુનઃસ્થાપિત કરવામાં આવેલા પાયલોટ્સને ફરીવખત વેતન આપવા પણ કહ્યું

નવી દિલ્હી, તા. ૧ : એર ઈન્ડિયા દ્વારા નોકરીમાંથી કાઢી મુકવાના આદેશ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચેલા પાયલોટ્સને ભારે મોટી રાહત મળી છે. મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ગત વર્ષે ઓગષ્ટ મહિનાથી અનેક પાયલોટ્સની સેવાઓ સમાપ્ત કરવા અંગેના એર ઈન્ડિયાના નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ સાથે જ એ તમામ પાયલોટ્સને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો છે જેમની સેવાઓ એર ઈન્ડિયા દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી હતી. તેમાંથી અનેક કરાર પર હતા.

દિલ્હી હાઈકોર્ટે એર ઈન્ડિયાના પુનઃસ્થાપિત કરવામાં આવેલા પાયલોટ્સને ફરી વેતન આપવા પણ કહ્યું છે. મંગળવારની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, એર ઈન્ડિયા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા પાયલોટ્સનો કરાર લંબાવવાનો નિર્ણય ભવિષ્યમાં તેમના પર્ફોર્મન્સના આધારે લેશે. સાથે જ કોર્ટે આ અંગેનો વિસ્તૃત નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાયલોટ્સે નોકરીમાંથી કાઢી મુકવાના એર ઈન્ડિયાના ૧૩ ઓગષ્ટના આદેશને પડકારીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. એર ઈન્ડિયાએ ગત વર્ષે ૪૦થી વધારે પાયલોટ્સને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. તે પૈકીના કેટલાક પાયલોટ્સે શરૂમાં રાજીનામાનો પત્ર આપી દીધો હતો પરંતુ બાદમાં રાજીનામુ પાછું લેવાની માંગણી કરી હતી.

પાયલોટ્સે કોર્ટમાં દલીલ કરી હતી કે, તેમણે નિર્ધારિત સમયમર્યાદા ૬ મહિના વીતે તે પહેલા જ પોતાનું રાજીનામુ પાછું લઈ લીધું હતું. સાથે જ એર ઈન્ડિયાને આ અંગે અરજી પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ નથી આવ્યો. અરજીકર્તાઓની દલીલ પ્રમાણે આ સંજોગોમાં તેમનું રાજીનામુ પાછું માનવામાં આવે અને તેમને ફરી નોકરી પર રાખવા નિર્દેશ આપવામાં આવે.

(12:00 am IST)