Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ૮ અધિકારીનાં ડોમિનિકામાં ધામા

લોન કૌભાંડના આરોપીને ભારત લાવવાની ક્વાયત તેજ : ભારત સરકાર બેંક ચેનલ ડિપ્લોમસી થકી ડોમિનિકા પર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે પણ દબાણ કરી રહી છે

નવી દિલ્હી, તા. ૧ : પંજાબ નેશનલ બેક્નના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી છે.

એવી વિગતો બહાર આવી છે કે, ડોમિનિકામાં ભારતની વિવિધ એજન્સીઓના આઠ અધિકારીઓ તેમજ સીઆરપીએફ કમાન્ડો તંબૂ તાણીને બેઠા છે. ભારત સરકાર બેક ચેનલ ડિપ્લોમસી થકી ડોમિનિકા પર મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે પણ દબાણ કરી રહી છે.

ચોક્સી સાથેના તમામ દસ્તાવેજો સાથે આઠ અધિકારીઓની ટીમ પ્રાઈવેટ જેટ સાથે ડોમિનિકા પહોંચી છે. ભારતીય ટીમ પ્રયત્નો કરી રહી છે કે, મેહુલ ચોક્સીનુ ડોમિનિકાની સરકાર પ્રત્યાપર્ણ કરે.આ અધિકારીઓની ટીમમાં સીબીઆઈ અને ઈડીના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ પહેલા એન્ટીગુઆ અને બારબુડાના પીએમ ગેસ્ટન બ્રાઉને સૌથી પહેલા ભારતે મેહુલ ચોક્સીને લેવા માટે વિમાન મોકલ્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. રવિવારે એક  રેડિયો શોમાં કહ્યુ હતુ કે, ભારતે પ્રત્યાપર્ણ માટેના દસ્તાવેજોની સાથે એક પ્રાઈવેટ વિમાનને ડોમિનિકા મોકલી આપ્યુ છે. સાથે જે તેમણે કહ્યુ હતુ કે, ડોમિનિકા રિપબ્લિકે ચોક્સીને વહેલી તકે ભારત પાછો મોકલી દેવો જોઈએ. જોકે ભારત સરકારે આ નિવેદનના સમર્થનમાં કોઈ કોમેન્ટ કરી નથી.

બીજી તરફ એન્ટીગુઆના મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પ્રાઈવેટ પ્લેન ડોમિનિકામાં લેન્ડ થઈ ચુકયુ છે અને તેના કારણે ચોક્સીના પ્રત્યાપર્ણની અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે, એન્ટીગુઆથી રહસ્યમય સંજોગોમાં ગાયબ થયેલો ચોકસી પાડોશી દેશ ડોમિનિકામાં પકડાયો હતો.

જે વિમાન ડોમિનિકામાં ઉતર્યુ છે તેણે ૨૮ મેના રોજ દિલ્હી ખાતેથી ઉડાન ભરી હતી અને આજે બપોરે એક વાગ્યે ડોમિનિકા પહોંચ્યુ છે.

આ પહેલા ચોક્સીએ આરોપ મુક્યો હતો કે, ભારતીય જેવા દેખાતા પોલીસ કર્મીઓએ મારુ એન્ટીગુઆ ખાતેથી અપહરણ કર્યુ હતુ અને મને ડોમિનિકા લઈ ગયા હતા. ડોમિનિકામાં ચોક્સીની એક તસવીર સામે આવી છે. જેમાં તેની આંખ પર સોજો અને હાથ પર ઈજાના નિશાન જોઈ શકાય છે.

ચોક્સી અને તેના ભાણેજ નિરવ મોદી પર પંજાબ નેશનલ બેક્ન સાથે ૧૩,૫૦૦ કરોડનુ લોન કૌભાંડ આચરવાનો આરોપ મુકાયેલો છે. ચોક્સી ૨૦૧૮માં ભારત છોડીને એન્ટીગુઆ ભાગી ગયો હતો. એ પછી આ ગોટાળો સામે આવ્યો હતો.

(12:00 am IST)