Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

બંધારણીય ફરજો સાથે સેવાની સૌરભ મહેકાવતા આનંદીબેન પટેલ

કિસી કી મુસ્‍કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર, કિસી કે વાસ્‍તે હો દિલ મેં પ્‍યાર જીના ઇસી કા નામ હૈ... : યુપીમાં છેલ્લા બે વર્ષમાં દોઢ-બે લાખ લોકોને ટીબી મુક્‍ત કરવામાં મહત્‍વનું યોગદાન : બાળકોને શિક્ષણ - સંસ્‍કાર માટે પ્રયાસ : ભારતના સૌથી મોટા રાજ્‍ય ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અકિલાના આંગણે : શ્રીમતિ અનાર પટેલ અને વસુબેન ત્રિવેદી પણ સાથેઃ સ્‍વ. વીણાબેન ગણાત્રાને શ્રધ્‍ધાંજલી

રાજકોટ તા. ૨ : ભારતના સૌથી મોટા રાજ્‍ય ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ગઇકાલે સાંજે અકિલાના આંગણે આવેલા. તેમની સાથે તેમના સૂપૂત્રી, ખોડલધામના ટ્રસ્‍ટી અને સુપ્રસિધ્‍ધ સમાજસેવિકા શ્રીમતિ અનાર પટેલ તેમજ રાજ્‍યના પૂર્વ ઉચ્‍ચ શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી સાથે હતા. ત્રણેયએ અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતિ વીણાબેનના અવસાન અંગે દુઃખની લાગણી વ્‍યકત કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

શ્રીમતી આનંદીબેન પટેલે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા તેમજ એકઝીક્‍યુટીવ શ્રી નિમિષ ગણાત્રા સાથેની વાતચીતમાં પોતાના ગુજરાતના કાર્યકાળના અને ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ તરીકેના સંભારણા વાગોળ્‍યા હતા. કોરોનાકાળ વચ્‍ચે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઉત્તરપ્રદેશમાં દોઢ થી બે લાખ લોકોને ટીબીના રોગથી મુક્‍ત કરવા માટે તેમણે સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ સાથે સંકલન કરી પોષણયુક્‍ત ખોરાકની વ્‍યવસ્‍થા કરાવી દર્દીઓને રોગમુક્‍ત કરવામાં મહત્‍વનો ફાળો આપ્‍યો છે. બાળકોના શિક્ષણ માટે પણ તેઓ સતત સક્રિય છે. ઉત્તરપ્રદેશમાં મહિલા ઉત્‍કર્ષની પ્રવૃત્તિમાં માર્ગદર્શક અને સહયોગી રહ્યા છે. રાજભવનના કર્મચારીઓના પરિવારની સ્‍થિતિ વાકેફ રહી તેમને શિક્ષણ, આરોગ્‍ય વગેરે બાબતોમાં ઉપયોગી થવા તત્‍પર રહે છે. પોતાને મળતા પત્રોનો નિયમિત જવાબ આપે છે. શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાતમંદ અમુક વિદ્યાર્થીઓની ફી ની પણ વ્‍યવસ્‍થા કરેલ તેનો તેમણે ઉલ્લેખ કરી સમાજ ઉપયોગી કાર્યો કર્યાનો સંતોષ વ્‍યકત કર્યો હતો.

શ્રીમતિ આનંદીબેન પટેલ એમએસસી, એમ.એડ્‍. (ગોલ્‍ડ મેડાલિસ્‍ટ) છે. તેમણે અમદાવાદની મોહિનીબા કન્‍યા હાઇસ્‍કુલમાં આચાર્યા તરીકે સેવા આપેલ. શિક્ષણ, લેખન, યાત્રા, જનસેવા, જનસંપર્ક વગેરે તેમના શોખના વિષયો છે. ૧૯૯૪થી ૧૯૯૮ સુધી રાજ્‍યસભાના સભ્‍ય રહ્યા છે. અમદાવાદના માંડલ ઉપરાંત પાટણ, ઘાટલોડિયા વગેરે વિસ્‍તારોમાંથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલ. વર્ષો સુધી તેમણે શિક્ષણ, મહિલા બાળ કલ્‍યાણ, મહેસૂલ વગેરે વિભાગોના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલ. ૨૦૧૪માં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી બનવાનું માન તેમને મળ્‍યું હતું. મુખ્‍યમંત્રી પદેથી નિવૃત્ત થયા બાદ છત્તીસગઢ અને મધ્‍યપ્રદેશમાં રાજ્‍યપાલ તરીકે સેવા આપેલ. હાલ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ તરીકે યશસ્‍વી બંધારણીય ફરજો નિભાવવા ઉપરાંત સમાજસેવાના કાર્યોમાં પણ મહત્‍વનું યોગદાન આપી રહ્યા છે. રાજ્‍યપાલ તરીકેની તેમની કામગીરી પ્રેરણારૂપ છે. તેઓ આંગણવાડીથી માંડી યુનિવર્સિટી સુધી સુવિધાપૂર્ણ શિક્ષણના હિમાયતી છે. તેમનું માનવું છે કે, બાળકોને શિક્ષણના સ્‍થાન પ્રત્‍યે આકર્ષણ થવું જોઇએ અને પ્રગતિની પ્રેરણા મળવી જોઇએ.

શ્રીમતિ આનંદીબેન પટેલ અને શ્રીમતિ અનાર પટેલે ગુજરાતમાં ભૂતકાળમાં તેમના દ્વારા થયેલ અને હાલ થઇ રહેલ સમાજ ઉપયોગી પ્રવૃત્તિની ચર્ચા કરી હતી.

આનંદીબેનની અકિલાની મુલાકાત પ્રસંગે ‘ન્‍યુઝ ફર્સ્‍ટ'ના જાણીતા પત્રકાર શ્રી અર્પિત ત્રિવેદી, ગણાત્રા પરિવારના સ્‍વજનો શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રી સુનિલભાઇ રાયચુરા, ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, સ્‍મિતાબેન સુનિલભાઇ રાયચુરા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ચિ. ધન્‍વી ગણાત્રા, ચિ. માહી ગણાત્રા, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રીમતી આનંદીબેન પટેલે શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજિતભાઇ ગણાત્રા અને શ્રી નિમિષ ગણાત્રાને પરિવાર સાથે યુપી રાજભવનના મહેમાન બનવા આમંત્રણ આપ્‍યું હતું

(12:02 pm IST)