Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

કોંગ્રેસના નેતા અહેમદ પટેલની અરજી તુરત લીસ્ટ થતા સુપ્રિમકોર્ટ આશ્ચર્યમાં

કોર્ટે કહ્યું... આ કેસમાં કોઇ ઘણુ ઉતાવળુ લાગે છે : રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ વિરૂદ્ધની : દાખલ અરજી હાઇકોર્ટથી ગાયબ : તપાસના આદેશ

નવી દિલ્હી, તા. ર : રાજયસભામાં જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી ન સાંભળવાની કોંગ્રેસના નેતા અહેમદ પટેલની અરજીની સુનાવણીનું ફેબ્રુઆરીના પહેલા જ દિવસે અને નિયત માળખા વિરૂદ્ધ લીસ્ટીંગ થતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે આશ્ચર્ય વ્યકત કર્યું  છે. સુપ્રીમ કોર્ટે અરજીના ત્વરિત લિસ્ટીંગ અંગે એવી ટિપ્પણી પણ કરી છે કે કોઇ આ કેસની સુનાવણી માટે વધુ પડતું આતુર હોય તેવું લાગી રહ્યું છે.

વર્ષ ર૦૧૭માં યોજાયેલી રાજયસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી રીટ ભાજપના પરાજીત ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઇકોર્ટમાં કરી છે. આ રિટને રદ કરવા માટે અહેમદ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે હાઇકોર્ટે રદ કરી હતી. તેથી અહેમદ પટેલે બળવંતસિંહની રિટ રદ કરવા સુપ્રીમમાં અરજી કરી હતી જેની ગત સુનાવણીમાં કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે આગામી સુનાવણી  ફેબ્રુઆરીમાં મુકરર કરવામાં આવે અને 'નોન-મિસલેનિયસ' હોય તેવો દિવસ નિયત કરવામાં આવે. મંગળવાર અને ગુરૂવાર સુપ્રીમ કોર્ટમાં નોન-મિસેલનિયસ દિવસ હોય છે. આ દિવસોમાં પરચૂરણ અરજીઓ અને કેસો ઓછા હોય છે જેથી મહત્વના કેસોની વિગતવાર સુનાવણી હાથ ધરી શકાય છે. અહેમદ પટેલની અરજી પર પણ વિગતવાર સુનાવણીની જરૂર હોવાથી તેને 'નોન-મિસલેનિયસ' દિવસે નિયત કરવાનું રજીસ્ટ્રીને સૂચન આપવામાં આવ્યું હતું. જોકે અરજીનું લીસ્ટીંગ ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ અને તે પણ શુક્રવારે એટલે કે વિગતવાર સુનાવણીનો અવકાશ ન હોય તેવા દિવસે લીસ્ટીંગ થતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મુદે રજીસ્ટ્રી પાસેથી જવાબ માગવામાં આવશે.

દરમ્યાન તેમની જીતને પડકારતી અરજીની નકલ કોર્ટથી ગુમ થતાં ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. રજીસ્ટ્રાર જનરલને બંધ કવરમાં રીપોર્ટ સોંપવા જણાવાયું છે. (૮.૯)

 

(1:25 pm IST)