Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

રૂા. ૫ લાખની આવક ટેક્‍સ ફ્રી હોવાના ભ્રમમાં ન રહો, તમે વિચારો છો એવું પણ નથી!

બજેટ સ્‍ટાન્‍ડર્ડ ડિડકશનની લિમિટ ૪૦ હજારમાંથી વધારીને રૂા. ૫૦ હજાર કરવામાં આવી છે

નવી દિલ્‍હી તા. ૨ : નાણા મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે ૨૦૧૯ના વર્ષનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. બજેટમાં પીયૂષ ગોયલે પાંચ લાખ સુધીની આવક ટેક્‍સ ફ્રી જાહેર કરી હતી. જોકે, આ અંગે અનેક દ્વિધા પ્રવર્તી રહી છે.

નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે સેક્‍શન 87A હેઠળ પાંચ લાખ સુધીની આવક પર સંપૂર્ણ ટેક્‍સ રિબેટ(વળતર) રૂ. ૧૨, ૫૦૦ આપવામાં આવશે. આ પહેલા આ વળતર રૂ. ૨૫૦૦ આપવામાં આવતું હતું. નિષ્‍ણાતોના જણાવ્‍યા પ્રમાણે આનો અર્થ એવો થાય છે કે જે લોકોની આવક પાંચ લાખથી ઓછી છે તેમને જ આ લાભ મળશે. પાંચ લાખ કરતા વધારે આવક ધરાવતા લોકો માટે જૂનું ટેક્‍સ માળખું જ અમલમાં રહેશે. એટલે કે પાંચ લાખથી ઉપરની આવક ધરાવનારા નોકરિયાત વર્ગને ફક્‍ત સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનનો જ લાભ મળશે, તેમને ટેક્‍સ રિબેટ(વળતર)નો લાભ નહીં મળે. જોકે, પાંચ લાખની આવક પર રિબેટનો લાભ પણ નવી સરકાર બન્‍યા પછી બજેટને મંજૂર રાખવામાં આવ્‍યા બાદ જ મળશે.

બીજી તરફ બજેટમાં સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનની લિમિટ ૪૦ હજારમાંથી વધારીને રૂ. ૫૦ હજાર કરવામાં આવી છે. એટલું જ નહીં જે લોકો પાંચ લાખની આવક ધરાવે છે તે લોકો ૧.૫ લાખની બચત બતાવીને રૂ. ૬.૫ લાખની આવક ટેક્‍સ ફ્રી કરી શકે છે.

હાલ રૂ. ૨.૫ લાખની આવક ટેક્‍સ ફ્રી છે. સિનિયર સિટિઝન (૬૦થી ૮૦ વર્ષ) આ મર્યાદા રૂ. ત્રણ લાખ છે. તેમજ ૮૦ વર્ષથી વધારે ઉમર ધરાવતા લોકો માટે આ મર્યાદા રૂ. ૫ લાખ છે.

હાલમાં રૂ. ૨.૫થી પાંચ લાખ સુધીની આવક ટેક્‍સ ફ્રી છે. ૨૫૦,૦૦૧થી પાંચ લાખ સુધીની આવક પર ૫ ટકા ટેક્‍સ લાગે છે. તેમજ ૫૦૦,૦૦૧થી ૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકા ટેક્‍સ લાગે છે. ૧૦ લાખથી ઉપરની આવક પર ૩૦ ટકા જેટલો ટેક્‍સ લાગે છે.

(11:19 am IST)