Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં બેવડી રકમ જમા થશે

૩૧ માર્ચ પૂર્વે ૨૦ લાખ ખેડૂતોને રાજ્‍યની અને ૩૬ લાખને કેન્‍દ્રની સહાય : મતોના ગણિતમાં ગુજરાતના ખેડૂતોને ડબલ બોનાન્‍ઝા

નવી દિલ્‍હી તા. ૨ : લોકસભાની ચૂંટણી જીતવા ભાજપની સરકારોમાં હવે ખેડૂતોના હામી થવાની હોડ લાગી છે. ભારત સરકારે બે હેક્‍ટર ક્ષેત્રફળ સુધીની ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને ૧લી ડિસેમ્‍બર ૨૦૧૮ની પાછલી અસરથી આર્થિક સહાય આપવાની જાહેરાત બજેટમાં કરી છે. ગુજરાત સરકારે રાજયના ખેડૂતો માટે ગતવર્ષે આર્થિક પેકેજ જાહેર કર્યુ હતુ. આ બંને પેકેજ હેઠળની રકમ લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના ખેડૂતોના બેંક એકાઉન્‍ટમાં જમા થશે તેમ નિશ્ચિત મનાય છે.

વર્ષ ૨૦૧૮માં ૧૭મી નવેમ્‍બરે ગુજરાત સરકારે ઓછો વરસાદ ધરાવતા રાજયના ૪૫ તાલુકાઓને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરીને અનુક્રમે રૂ.૫૩૦૦, રૂ.૫૮૦૦ અને રૂ.૬૩૦૦ વન ટાઈમ આર્થિક સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. જેનાથી અછતગ્રસ્‍ત ૪૫ તાલુકાઓમાં એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ બે હેક્‍ટર સુધીની મર્યાદામાં રૂ.૧૩૦૦ કરોડની સહાય આપવાનો દાવો કરાયો હતો. રૂ.૧૩૦૦ કરોડના આર્થિક પેકેજ અનુસંધાને સરકારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને ૩૧મી માર્ચ પહેલા તેના ચૂકવણાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. સંભવતઃ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં મતદાનની તારીખો નજીક હશે તે દરમિયાન ખેડૂતોના બેંક એકાઉન્‍ટમાં રાજય સરકારની સીધી સહાય ઉપરાંત ભારત સરકારે જાહેર કરેલા રૂ.૬૦૦૦ની સહાયનો પહેલો હપ્તો અર્થાત ડિસેમ્‍બર, જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીનો હપ્તા પેટે રૂ.૧૫૦૦ની સહાય પણ ૩૧ માર્ચ પહેલા ચૂકાવાઈ જશે. આમ ગુજરાતના ખેડૂતો માટે તો આ સહાય ડબલ બોનન્‍ઝા સાબિત થશે. ૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્‍યક્ષેત્રમાં ભાજપનો પરાજય  થયો હતો.  સહાય મતદાન પહેલા જ બેંક એકાઉન્‍ટમાં જમા થયા પછી ઈવીએમમાં ખેડૂતોના મતો કેટલા પડે છે તે જોવુ રહ્યું.

(11:06 am IST)