Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

હેડલીના પ્રત્યાર્પણ માટે અમેરિકા સાથે વાતચીત

અમેરિકી એજન્સીઓ સાથે સરકાર સંપર્કમાં છે : હેડલીની સાથે રાણાને પણ ભારત લાવવાના પ્રયાસો જારી

નવી દિલ્હી, તા. ૨ : મુંબઇના ત્રાસવાદી હુમલાના મામલામાં અમેરિકા સ્થિત વોન્ટેડ ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યાર્પણ માટે સરકારના પ્રયાસ ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ ડેવિડ હેડલી અને કહાવુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સરકાર અમેરિકી સંસ્થાઓના સંપર્કમાં છે અને પ્રત્યાર્પણના પ્રયાસ ચાલી રહ્યા છે. ભારત અને અમેરિકાની વચ્ચે ૧૯૯૭એ થયેલી પ્રત્યાર્પણ સમજૂતિ હેઠળ હેડલીને ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સિંહે કહ્યું હતું કે, આ સમજૂતિ હેઠળ ૧૩મી અને ૧૫મી ડિસેમ્બર વચ્ચે રાષ્ટ્રીય તપાસ સંસ્થાની એક ટીમ હેડલીના પ્રત્યાર્પણને લઇને ચર્ચા માટે અમેરિકા પહોંચી હતી. ડેવિડ હેડલી પર મુંબઈમાં ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે થયેલા ત્રાસવાદી હુમલાના કાવતરા ઘડવાનો આરોપ છે. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. મૃતક લોકોમાં ૧૦ દેશોના ૨૬ વિદેશી નાગરિકો પણ સામેલ છે. મુંબઈ હુમલામાં સંડોવણીના મુદ્દા ઉપર હેડલીને અમેરિકામાં ૩૫ વર્ષની સજા કરવામાં આવી હતી. આ મામલામાં સાક્ષી તરીકે તેને બનાવવામાં આવ્યો હતો. અમેરિકાએ પોતાના આંતરરાષ્ટ્રીય સાથીની સાથે મળીને દોષિતોની ઓળખ કરવા અને તેમને સજા અપાવવાને લઇને કટિબદ્ધતા દર્શાવી હતી. ભારત-અમેરિકા બે પ્લસ બેની સમજૂતિ મુજબ આગળ વધવા ઇચ્છુક છે. બંને દેશોએ પાકિસ્તાનથી મુંબઈ, પઠાણકોટ અને ઉરી હુમલાના દોષિતોને સજા કરવાની માંગણી કરી છે. હુમલામાં સામેલ રહેલા અનેક પાકિસ્તાની આતંકવાદીઓની સામે પાકિસ્તાનમાં ટ્રાયલ ચાલી રહી છે. ભારત તરફથી ટૂંક સમયમાં સજા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે, પાકિસ્તાનનું વલણ વિવાદાસ્પદ રહ્યું છે.

(10:24 pm IST)