Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

સરકાર કાયદો નિર્માણ કરીને રામ મંદિરનો માર્ગ સાફ કરે : VHP

કોર્ટના નિર્ણયની રાહ ન જોઇ શકાય : પ્રયાગરાજમાં યોજાનાર કુંભમેળામાં ધર્મસંસદનું આયોજન કરાશે

નવી દિલ્હી તા. ૨ : વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ અલોક કુમારે કહ્યુ છે કે ધર્મસંસદ નક્કી કરશે કે રામમંદિર નિર્માણ માટે આગામી માર્ગ શું હોઈ શકે? તેમણે કહ્યુ છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ સુધી રાહ જોઈ શકે નહીં. યોગ્ય એ હશે કે સંસદ દ્વારા કાયદો બનાવીને ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના માર્ગ તાત્કાલિક પ્રશસ્ત કરવામાં આવે. વીએચપી રામમંદિર નિર્માણ માટે સંસદ દ્વારા કાયદો બનાવવાની માગણીને લઈને સતત પોતાનો અવાજ ઉઠાવતી રહેશે. રામમંદિર નિર્માણમાં આગળ ઉઠાવવામાં આવનારા પગલાને લઈને ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં કુંભ દરમિયાન આયોજીત થનારી ધર્મસંસદમાં નિર્ણય લેવામાં આવશે. આલોક કુમારે કહ્યુ છે કે રામમંદિરનો મામલો લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં લટકેલો છે. આ મામલો ૬૯ વર્ષથી ફસાયેલો છે.

મોદીના રામ મંદિર અંગેના નિવેદન બાદ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘે પણ એક નિવેદન જારી કર્યું હતું. સંઘે કહ્યું હતું કે મોદી સરકારનો કાર્યકાળ પુરો થાય તે પહેલા રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું તે પુરુ થવું જોઇએ તેવી જનતાની પણ ઇચ્છા છે. સંઘે ટ્વિટ કરીને ભાજપને પોતાના વચન પણ યાદ અપાવ્યા હતા અને જણાવ્યું હતું કે મોદીની આગેવાનીમાં ૨૦૧૪માં ભાજપે લોકસભાની ચૂંટણીનો જે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો તેમાં વચન આપ્યું હતું કે બંધારણને ધ્યાનમાં રાખીને રામ મંદિર બનાવવા માટે અમે દરેક પ્રકારના રસ્તા શોધીશું.

સુપ્રીમ કોર્ટમાં હજી સુધી ન્યાયાધીશોની ખંડપીઠ પણ બની નથી. તેમને પુછવામાં આવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને બંધારણીય મર્યાદાઓના આધારે મંદિર નિર્માણની વાત કરી છે.. તેના સંદર્ભે વીએચપીએ કહ્યું હતું કે તેઓ પોતાની કોશિશોને ચાલુ રાખશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના સત્તામાં બેઠેલા લોકોના મન બદલી શકાય. વીએચપી સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોઈ શકે નહીં. તેની સાથે જ તેઓ રામમંદિર નિર્માણને લઈને સંસદમાં કાયદો લાવે તેના માટે તેઓ સરકારને આગ્રહ કરતા રહેશે.

એસસી-એસટી એકટમાં સરકાર દ્વારા કરવામાં આવેલા પરિવર્તનને ટાંકીને આલોક કુમારે કહ્યુ હતુ કે સરકારની પાસે અધિકાર છે કે તેઓ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. મોટાભાગના સાંસદો મંદિર નિર્માણ માટે સંસદ દ્વારા કાયદો બનાવાવની વાતનું સમર્થન કરે છે. તેમણે કહ્યુ છે કે વીએચપીને લાગે છે કે વડાપ્રધાન મોદી મંદિર નિર્માણને લઈને પ્રતિબદ્ઘતા દર્શાવી તે સારી લાગી પરંતુ વટહુકમને લઈને તેમના ટાઈમિંગનો સવાલ છે.. વીએચપી તેમને અભિપ્રાય આપશે કે તેઓ આમા ફેરફાર કરીને અત્યારે વટહુકમ લઈને આવે.

વીએચપીના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યુ છે કે અમેઠી અને રાયબરેલીના લોકોએ રામમંદિર માટે ત્યાંના સાંસદોની સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. જયારે અમેઠી અને રાયબરેલીના સાંસદો સમય આપશે ત્યારે તેમની મુલાકાત કરવામાં આવશે. આલોક કુમારે કહ્યુ છે કે તેમણે રામમંદિર નિર્માણને લઈને ૩૫૦થી વધુ સાંસદોની મુલાકાત કરી છે. તમામે રામંદિર નિર્માણ પર ટેકો આપ્યો છે. આલોક કુમારે કહ્યુ છે કે રામમંદિર મામલે વારાણસીના સાંસદની સાથે પણ મુલાકાત કરાશે. મહત્વપૂર્ણ છે કે અમેઠીથી રાહુલ ગાંધી, રાયબરેલીથી સોનિયા ગાંધી અને વારાણસીથી નરેન્દ્ર મોદી લોકસભાના સાંસદ છે.

(4:04 pm IST)