Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

શરીરમાં પાણીની ઉણપથી ચામડી, યુરીન, મોઢામાં દુર્ગંધ જેવી સમસ્‍યા થઇ શકે

ઉનાળામાં ઓછુ પાણી પીવાથી ડિહાઇડ્રેશન ન થાય તેની કાળજી રાખવી જરૂરી

નવી દિલ્‍હીઃ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે. પાણી વિના જીવન શક્ય નથી. વ્યક્તિ જેટલું પાણી વધારે પીએ તેટલો તેને લાભ થાય છે. પાણી ઓછું પીવાથી શરીરમાં ઘણા રોગ ઘર કરી જાય છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જો પાણી ઓછું પીવામાં આવે તો ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય તે પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે ? આ લક્ષણ જણાવે છે કે તમારા શરીરને પાણીની જરૂરિયાત છે. જો સમયસર તમે સાવધાની રાખો છો તો સ્વાસ્થ્ય ખરાબ થતું નથી.

સ્કીન થવા લાગે છે ડ્રાય

જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે ત્યારે સ્કીન ડ્રાય થવા લાગે છે. સાથે જ ત્વચા પર ખંજવાળ, રેસીશ જેવી સમસ્યા પણ થવા લાગે છે. આવી તકલીફ થાય ત્યારે સમજી લેવું કે તમારા શરીરમાં પાણી ઓછું છે.

યુરીન સંબંધિત સમસ્યા

જો યુરીનનો રંગ પારદર્શક હોય તો સમજી લેવું કે શરીરમાં પાણીની ઉણપ નથી. પરંતુ યુરિનનો રંગ પીળો અથવા તો ડાર્ક થવા લાગે તો સમજી લેવું કે તમારા શરીરમાં પાણી ઓછું છે અને તમારે વધારે પાણી પીવાની જરૂર છે.

મોઢામાંથી વાસ આવવી

મોઢામાંથી દુર્ગંધ આવવી તે પણ શરીરમાં પાણીની ઉણપ નું લક્ષણ છે. શરીરમાં જ્યારે પાણીની ઉણપ હોય છે ત્યારે મોઢું અને ગળું ડ્રાય થવા લાગે છે જેના કારણે તમે શ્વાસ લો છો તો તેમાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાથી બચવું હોય તો ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. 

(5:58 pm IST)