Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

નિર્ભયા કેસના ચારેય આરોપીને એક સાથે ફાંસી આપવાની તૈયારી પૂર્ણ

તિહાડ જેલમાં ત્રણ નવા ફાંસીના માંચડા તૈયાર

નવી દિલ્હી, તા.૧: તિહાડમાં નિર્ભયા ગેંગરેપના ચારેય આરોપીઓને એકસાથે ફાંસી આપવામાં આવશે. અત્યાર સુધી અહિંયા ફાંસી માટે એક જ માંચડો હતો પરંતુ હવે તેની સંખ્યા વધારીને ચાર કરી દેવામાં આવી છે. પીડબ્લ્યુડીએ સોમવારે ત્રણ નવા માંચડા બનાવવાનું કામ પૂર્ણ કર્યું હતું. ફાંસીના ત્રણ નવા હેંગર પણ જેલ નંબર-૩માં તૈયાર કરાયા છે, જયાં પહેલાથી એક માંચડો છે. હવે તિહાડ દેશની પ્રથમ આવી જેલ બની ગઇ છે જયાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપી શકાશે. તિહાડ જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કામ પૂર્ણ કરવા માટે જેલમાં જેસીબી મશીન પણ લાવવામાં આવ્યું હતું. કેમકે ત્રણ નવા ફાંસીના માંચડા તૈયાર કરવા માટે એ પણ જરૂરી હોય છે કે નીચે નવી એક ટનલ બનાવવામાં આવે. આ ટનલના માધ્યમથી ફાંસી બાદ મૃત કેદીને બહાર કાઢવામાં આવે છે. ત્રણ નવા ફાંસીના માંચડાની સાથે જ જૂના માંચડામાં ફેરફાર પણ કરાયા છે. જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, ફાંસીના ત્રણેય માંચડા નિર્ભયા ગેંગરેપના ચાર કેદીઓને એક સાથે ફાંસી આપવા માટે તૈયાર કરાયા છે. આ ચારેયના કેસની સ્ટેટસ રિપોર્ટ જેલ તંત્ર કોર્ટને આપશે. કોર્ટ ૬ જાન્યુઆરીએ ખુલશે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેથ વોરંટ ઈશ્યૂ થતા આરોપીઓની ફાંસીની સજા બજાવાશે.

(4:03 pm IST)