Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બ્લડ-પ્રેશરની ટ્રીટમેન્ટ માટે ટૂ-ઇન-વન ગોળી બની શકે અસરકાર

લંડન તા. ર૭: બ્લડ-પ્રેશરના મોટા ભાગના દરદીઓને એક કરતાં વધારે ગોળીઓ લેવાનું ગમતું ન હોવાથી એક ગોળીમાં બે કે ત્રણ દવાઓ મિકસ કરીને આપવાની ટ્રીટમેન્ટ દરદીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત સંશોધનલેખમાં જણાવવામાં આવ્યું છે કે બ્લડ-પ્રેશરના દરદીઓ યોગ્ય રીતે દવા લેતા ન હોવાથી એ બીમાર પર નિયંત્રણના આંકડા સંતોષકારક હોતા નથી. આવશ્યક પ્રમાણમાં દવાઓ નિયમિત લેવામાં ન આવે તો મુશ્કેલી થઇ શકે છે. જેમ-જેમ દવાઓ લેવાનું ટાળવાનું પ્રમાણ વધતું જાય છે. એ પરિસ્થિતિમાં એક ગોળીમાં બે-ત્રણ દવાઓ સાથે આપવાથી બ્લડ-પ્રેશર પર નિયંત્રણનું પ્રમાણ વધતું જાય છે.

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયલોજીસના ગાઇડલાઇન્સ ટાસ્ક ફોર્સના ચેરપર્સન અને યુનિવર્સિટી કોલેજ (લંડન) ના પ્રોફેસર બ્રાયન વિલિયમ્સે જણાવ્યું હતું કે 'એ પ્રકારની ગોળીઓ ઉપલબ્ધ થઇ ચૂકી છે. એનાથી બ્લડ-પ્રેશરની સારવારની સફળતામાં વ્યાપક પ્રમાણમાં સુધારો થવાની શકયતા છે. એ સફળતાને પગલે સ્ટ્રોકસ, હાર્ટ-એટેકસ અને અકાળે મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો થઇ શકે છે. વિશ્વમાં એક અબજ કરતાં વધારે લોકોને હાઇપરટેન્શન (હાઇ બ્લડ-પ્રેશર)ની વ્યાધિ છે. એમાં ૩૦ થી ૪પ ટકા પ્રૌઢોને ગંભીર અસર થાય છે. ૬૦ ટકા લોકો ૬૦ વર્ષથી વધારે ઉંમરના છે. અકાળે મૃત્યુનાં વૈશ્વિક કારણોમાં મુખ્ય હાઇ બ્લમડ-પ્રેશર છે. ર૦૧પમાં હાઇ બ્લડ-પ્રેશરને કારણે લગભગ એક કરોડ લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા. હાઇ બ્લડ-પ્રેશરને કારણે હાર્ટ-ફેલ્યર, આર્ટેરિયલ ફિબ્રિલિયેશન, ક્રોનિક કિડની-ડિસીઝ, પેરિફેરલ આર્ટરી-ડિસીઝ અને માણસો તથા વસ્તુઓને ઓળખવા-પારખવાની ક્ષમતામાં ઘટાડાનું મોટું જોખમ રહે છે.'

(4:07 pm IST)