Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

પરીક્ષાની આગલી રાતે જાગીને વાંચવાથી યાદશકિત નબળી પડે

નવીદિલ્હી તા.૨૭: પરીક્ષાની આગલી રાત્રે જાગીને ભણવું અને શકય એટલું યાદ કરવાની કોશિશ કરવી એ કોઇપણ સ્ટુડન્ટ માટે યોગ્ય નથી. બ્રિટનની રોયલ હોલોવેલ યુનિવર્સિટીના એક પ્રોફેસરના કહેવા અનુસાર ઊંઘ આપણી યાદશકિત અને ચીજો યાદ રાખવાની તાકાત પર અસર કરે છે. માનવીની યાદશકિત સાથે ઊંઘના સંબંધના પર અભ્યાસમાં સામેલ થનારા સ્ટુડન્ટ્સને પહેલાં નવા શબ્દો શીખવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને રાતભર ઊંઘવા દેવામાં આવ્યા નહોતા. થોડા દિવસો અને ત્યારબાદ થોડાં સપ્તાહ બાદ તેમની યાદશકિત ચકાસવામાં આવતાં જણાયું કે આખી રાત જાગનારા સ્ટુડન્ટ્સ પછી દિવસમાં ભલે ગમે એટલું ઊંઘી લે, પરંતુ યાદ કરેલા શબ્દો ફરી યાદ કરવામાં તેમને તકલીફ પડે છે. આની તુલનાએ નવા શબ્દો યાદ કર્યા બાદ રાત્રે સૂઇ ગયેલા લોકોને આ શબ્દો ફરી યાદ કરવામાં વધુ મુશ્કેલી પડી નહોતી. માનવીની શીખવાની ક્ષમતા સાથે ઊંઘનો ઘણો ઊંડો સંબંધ છે. ઊંઘતી વખતે પણ માનવીનું મગજ કામ કરી રહયું હોય છે. આખા દિવસમાં થયેલી વાતો મગજ રાતના સમયે યાદ રાખી રહયું હોય છે, પરંતુ જો રાત્રે ઊંઘ પુરી ન થાય તો ગમે એટલી કોશિશ કરો તો પણ યાદશકિત નબળી જ રહેવાની શકયતા છે.(૧.૫)

 

(11:51 am IST)