Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ફટાકડાનાં ઘોંઘાટથી ૧૧,૦૦૦ સસલાં મરી ગયાં હોવાનો દાવો કરતા માલિકને ૪૫ લાખ રૂપિયાનું વળતર મળ્યું

જિયાંગ્સુ તા.૨૭: ઉત્સવ અને ઉજવણીમાં ફટાકડા ફોડતી વખતે આજુબાજુની જગ્યાનું ધ્યાન રાખવું આવશ્યક છે. જો એમ ન કરો તો ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં રહેતા કાઇ નેન નામના ભાઇ જેવી હાલત થાય. વાત એમ છે કે કાઇભાઇએ પોતાના ઘરનું રિનોવેશન કરાવ્યું. નવું ઘર બની ગયા પછી એની ખુશીમાં તેણે છત પર ફટાકડા ફોડયા. ફટાકડાની સેર લગભગ પાંચ મિનિટ સુધી સતત ફૂટતી રહી હતી. તેના જ પાડોશમાં રહેતા ઝેન્ગ નામના ભાઇ સસલાં પાળવાનો ધંધો કરતા હતા. તેમના ઘરની છત પર હજારોની સંખ્યામાં સસલાં રાખ્યાં હતાં જે એ ફટાકડાના અવાથી મરી ગયાં હોવાનો દાવો-ઝેન્ગે કર્યો છે. ઝેન્ગે પાડોશી કાઇ પાસેથી એનું વળતર માગ્યું જે આપવાની કાઇએ ના પાડી દેતાં ઝેન્ગે તેની વિરૂદ્ધ કોર્ટમાં કેસ કર્યો. ફટાકડા ફૂટયા એ પહેલાં હેલ્ધી અને હસતાં-રમતાં સસલાં અને એ પછી એકસાથે મરી ચૂકેલાં સસલાંની તસ્વીરો અને વિડિયો સહિતના પુરાવા તેણે કોર્ટમાં રજૂ કર્યાં. કોર્ટમાં તેણે એ પણ લખ્યું હતું કે અવાજને કારણે ૧૫૦૦ ગભરૂ માદા સસલીઓનો ગર્ભ પણ પડી ગયો હતો. આ બધાના પુરાવા પરથી કોર્ટે કાઇભાઇને ઝેન્ગને ૪૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ફેંસલો સંભળાવ્યો છે. કાઇ એ પછી ઊંચી અદાલતમાં અરજી કરવા ગયો. જો કે ઉપલી અદાલતે અરજી ખારીજ કરીને નીચલી અદાલતના ફેંસલાને બરકરાર રાખ્યો અને ૧૦ દિવસમાં ૪પ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું છે.(૧.૮)

(3:43 pm IST)