Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કેનેડાને ફીલીપાઇન્સની ધમકી ! ઝેરી કચરો પાછો લઇ જાવ છો કે નહિ ? નહિ તો યુધ્ધ માટે તૈયાર રહો

 મનીલાઃ ફિલિપિન્સના પ્રેસિડેન્ટ રોડ્રિગોએ કેનેડાને ચેતવણી આપી છે. રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી કે જો કેનેડા તેનો કચરો પરત નહી લઈ જાય તો તે તેની સામે યુદ્ઘ શરુ કરી દેશે. મહત્વનું છે કે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં કેનેડાએ રિસાઈકલિંગ કરવા માટે કચરાના કેટલાક કન્ટેનર ફિલિપિન્સ મોકલાવ્યા હતા અને ફિલિપિન્સનો આરોપ છે કે આ કન્ટેનરોમાં ઝેરી કચરો ભરેલો હતો, તેથી કેનેડાએ આ કચરાને પરત લઈ જવો જોઈએ.

દુતેર્તેએ ચેતવણી આપી કે કેનેડા તેનો ગેરકાયદે કચરો પરત લઇ લે, નહીં તો તેઓ કચરાનો પહાડ પરત મોકલાવી દેશે. ફિલિપિન્સ હવે પોતાનું વલણ નહીં બદલે, ભલે બંને દેશો દુશ્મન કેમ ના બની જાય. અમે કેનેડા વિરૂદ્ઘ યુદ્ઘની ઘોષણા કરી દઇશું અને કહીશું કે, તમારો કચરો પરત મોકલાવી દીધો છે, તમે ઇચ્છો તો તેને ખાઇ શકો છો.   દુતેર્તેએ અધિકારીઓને કહ્યું કે, કચરા માટે હોડી તૈયાર કરવામાં આવે અને કેનેડા તેને પરત લઇ જાય. આવું ના થયું તો તેઓ ખુદ સમુદ્ર રસ્તે કચરો કેનેડામાં ફેંકીને આવશે. રિસાઇકલિંગ મુદ્દે ફિલિપિન્સ અને કેનેડા આમને-સામને આવે તે લગભગ નક્કી છે. હકીકતમાં, કેનેડાનું કહેવું છે કે, કચરો એક પ્રાઇવેટ કંપનીએ મોકલ્યો હતો અને પ્રાઇવેટ સેકટર પર સરકારનો કોઇ અધિકાર નથી.

(3:42 pm IST)