Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

છ વર્ષના બાળકને એકલું મૂકવા બદલ પિતાને કોર્ટનું તેડૂ

ફ્રાંસના કડક કાયદા મુજબ બાળક પરત્વેની લાપરવાહી અંગેના ગુનામાં જેલ તથા દંડની જોગવાઈ છે

પેરિસ તા. ૨૬ : પેરિસમાં છઠ્ઠા માળની બાલ્કનીમાં લટકી રહેલા બાળકને બચાવવા પોતાના જીવની બાજી લગાવી દેનાર ૨૨ વર્ષિય મામૌડુ ગાસામા નામનો યુવક વિશ્વકક્ષાએ સ્પાઈડર મેન તરીકે લોકચાહના મેળવી રહ્યો છે ત્યારે બાળકના પિતાને બેદરકારીના કેસ અંતર્ગત કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

મે મહિને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને વીડિયોમાં જોવા મળ્યા મુજબ ચાર વર્ષનું બાળક છઠ્ઠા માળની બાલ્કનીમાં લટકી રહ્યું હતું જેનો જીવ બચાવવા ગાસામા એક પછી એક બાલ્કની સ્પાઈડરમેનની જેમ ચડી ગણતરીની સેકધડોમાં જ બાળક પાસે પહોંચી ગયો હતો. ગાસામાને ફ્રાંસના પ્રેસિડેન્ટ તથા મેયરે સન્માનિત કર્યો હતો. ઉપરાંત તેને ફ્રેંચ સિટીઝનશિપ ફાળવી ફાયર સર્વિસમાં નોકરી પણ આપવામાં આવી છે, પરંતુ બાળકના પિતાને બાળકને ઘરમાં એકલો મૂકી બહાર જવા બદલ ફ્રાંસ કોર્ટ દ્વારા ચાર્જશીટ દાખલ કરી હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

ફ્રાંસના કડક કાયદા મુજબ બાળક પરત્વેની લાપરવાહી અંગેના ગુનામાં જેલ તથા દંડની જોગવાઈ છે. બાળકના પિતા ગ્રોસરી ખરીદવા તેને એકલું મૂકી ગયા હતા. જોકે, પિતાના જણાવ્યા મુજબ બાળકને એકલા મૂકતા પહેલા તેમણે સલામતીના પગલાં ભર્યાં હતા. પિતાને પણ પોતાની લાપરવાહી બદલ અફસોસ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પિતાની ગેરહાજરીમાં બાળક બાલ્કનીમાં આવી ગયું હતું. ફ્રાંસના કાયદા પ્રમાણે પિતાને બે વર્ષની જેલ અને ૩૦,૦૦૦ યૂરો સુધીનો દંડ થઈ શકે છે.

જોકે, પિતાને કોર્ટ દ્વારા પુત્રની સોંપવામાં આવેલી કસ્ટડીને કારણે તેને સજા થાય એવી શકયતા નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બાળકના માતા ઇન્ડિયન ઓશન ખાતે ફ્રાંસ રીયુનિયન આઈલેન્ડના પ્રવાસે હતા. દંપતીએ મામૌડુ ગાસામાનો ખૂબ આભાર વ્યકત કર્યો છે.(૨૧.૫)

 

(9:55 am IST)