Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

હાથ વિનાની આ મહિલા છે સફળ ટેકસી ડ્રાઇવર

ન્યુયોર્ક તા.રપઃ અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી ૩૧ વર્ષની જેનેટ બ્રાઉન નામની મહિલા બે સંતાનોની મા છે અને ઉબર ટેકસી ચલાવે છે. જન્મથી જ તેણે કોણીથી આગળના હાથ વિકસ્યા નથી. કોણીથી આગળ ખૂબ પાતળું હાડકું તેના બન્ને હાથમાં છે જેનો જેનેટ બખૂબી ઉપયોગ કરી લે છે. ઘરનું એકેય કામ એવું નથી જે જેનેટ ન કરી શકે. ઘરની સફાઇની વાત હોય કે રસોઇ, બધું જ તે કરી લે છે. કપડાં ધોવાથી માંડીને પોતાનું માથું ઓળવા સુધીનું કામ તે હાથ વિના કરે છે. કોણીથી આગળના પાતળા હાડકાંનો જેનેટ એવી રીતે ઉપયોગ કરે છે જે તેના માટે હાથ અને આંગળાઓની ગરજ સારે છે. દરેક કામ જાતે કરવા માટે તેેણે ઘરમાં નાના-મોટા જુગાડ કરી લીધા છે. કાંસકો હાથમાં પકડવા માટે તેણે કાંસકાની ફરતે રબર બાંધી દીધું છે એટલે રબર હાથમાં પહેરીને તે પોતાના વાળ જાતે ઓળી લઇ શકે છે. જાતે ખાવાનું અને બે હાથ ભેગા કરીને પેનથી લખવાનું પણ તે કરી લે છે. જેનેટનું કહેવું છે કે તેની ટેકસીના પેસેન્જરો પહેલી વાર જુએ કે હાથ નથી ત્યારે તેમને શંકા જાય, પરંતુ તેમને એકવાર મારા ડ્રાઈવિંગનો અનુભવ થયા પછી તેઓ મને જ તેમના પર્સનલ ડ્રાઇવર તરીકે ડાયરેકટ ફોન કરીને બુક કરવાનું પસંદ કરે છે. જેનેટ પણ દીકરાઓ સ્કૂલમાં જાય ત્યારે નવરાશનો સમય બેસી રહેવાને બદલે ટેકસી ચલાવીને વધારાના પૈસા રળી લે છે. તેનું કહેવું છે કે 'લોકો મને ડિસેબલ સમજીને મદદ કરવા હાથ લંબાવે છે ત્યારે બહુ જ ખરાબ લાગે છે. મારાથી નહીં થાય એવું ધારીને મદદ કરવા આવનારા લોકોનો આશય સારો જ હોય છે, પણ એ મને હર્ટ કરે છે, કેમ કે ભલે મને હાથ ન હોય, એવું એકેય કામ નથી જે બે હાથવાળા લોકો કરી શકતા હોય અને હું ન કરી શકતી હોઉં.'  જેનેટ પોતાના જેવા ડિસેબલ લોકો માટે એક સ્વૈચ્છિક સંસ્થા ખોલી છે જે તેમને જાતે પગભર થવા માટે પ્રોત્સાહન અને જરૂરી સહાય પૂરી પાડે છે.

(11:45 am IST)