Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017


ટ્રેનમાં સાપે પણ એક બર્થ પચાવી પાડી

જાકાર્તા તા. ર૪ :.. ખીચોખીચ ભરેલી ટ્રેનમાં જો સાપ દેખાય તો ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા તમામ યાત્રીઓના શ્વાસ ઊંચા થઇ જાય એમાં બેમત નથી. જો કે દુનિયામાં એવા પણ વીરલાઓ વસે છે જેઓ આવી સ્થિતિમાં પણ હિંમત નથી હારતા અને કોઇ પણ હથિયાર વિના જ સાપને મારી નાખે છે. આવો જ એક બહાદુર હાલમાં ઇન્ડોશીયામાં જોવા મળ્યો હતો, જે ઇન્ટરનેટની દુનિયાનો હીરો બની ગયો છે.

ઇન્ડોનેશીયાની રાજધારી જાકાર્તાથી બોગોર તરફ જઇ રહેલી એક ટ્રેનમાં સામાન રાખવાની જગ્યાએ સાપ જોવા મળતાં ટ્રેનને તરત જ રોકી દેવામાં આવી હતી. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વિડીયોમાં ચશ્મા પહેરેલા એક યુવકે જરાય ગભરાયા વિના એકદમ સાહજિક રીતે સાપને પૂંછડીએથી પકડીને નીચે ખેંચ્યો હતો અને એકદમ તેજીથી જમીન પર પટકી દીધો હતો.

સાપ તરત જ મરી ગયો હતો. એમ છતાં જયાં સુધી આ યુવકે લગભગ એક મીટર લાંબા સાપના શરીરને ટ્રેનની બહાર ઊભેલા સિકયોરીટી ઓફીસર પાસે ફેંકી ન દીધો ત્યાં સુધી ટ્રેનના ડબ્બામાં ડંડો પકડીને ઊભેલો સિકયોરીટી ઓફીસર અને યાત્રીઓ ગભરાઇને દૂર જ ઊભા રહ્યા હતાં.

(10:15 am IST)