Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

બીમાર પુત્ર કરી રહ્યો હતો પરેશાન :શાંતિથી સૂવા માટે માતાએ પીવડાવ્યું બ્લીચ

આવી જનેતા હોય? : માતાના ક્રૂર કૃત્ય બાદ પણ બાળકનો જીવ બચી ગયો

સિડની, તા.૨ર : બાળકોને કોઈ તકલીફ હોય તો માતાની ઊંઘ ઉડી જાય છે. દિવસ-રાત જાગી બાળકની સેવા કરે છે. બાળકને સલામત રાખવા માટે તેના હાથમાં જે કંઈ છે તે કરવા માંગે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેતી એક માતા તેના બાળકની બીમારીથી એટલી ચિડાઈ ગઈ હતી કે તેણે બાળકને ઝેર આપ્યું હતું. થોડા કલાકો સુધી શાંતિથી સૂવા માટે તેણે આમ કર્યું હતું. આ ઘટના ખરેખર આઘાતજનક છે.

ધ સનના અહેવાલ પ્રમાણે આરોપી મહિલાનું નામ બ્રુક એવલીન લુકાસ છે અને તે ૨૬ વર્ષની છે. તેના પર આરોપ છે કે, તેણે પોતાની ફીડિંગ ટ્યૂબમાં બ્લીચ ઉમેરીને પોતાના નવજાત શિશુને મારવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું એ હતુ કે માતાના ક્રૂર કૃત્ય બાદ પણ બાળકનો જીવ બચી ગયો હતો. પ્રથમ મહિલાએ પોતાના શરમજનક કૃત્યથી છૂટકારો મેળવવા માટે તેની પુત્રી પર આ આરોપ લગાવ્યો હતો, પરંતુ બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

બ્રુક એવલીન લુકાસના પુત્રનો જન્મ ૧૪ અઠવાડિયા પહેલા થયો હતો. આ કારણે તે ખૂબ નબળો હતો અને તેને ખવડાવવા માટે તેને ફીડિંગ ટ્યુબનો આશરો આપવામાં આવી રહ્યો હતો. માતાને તેની બીમારીને કારણે બાળક પર વધુ ધ્યાન આપવું પડ્યું હતું અને પૂરતી ઊંઘ લઈ શકતી ન હતી. એક દિવસ તેણે સારી ઊંઘ અને થોડો આરામ કરવા માટે બાળકની ફીડિંગ ટ્યુબમાં ડિટર્જન્ટ લિકિવડ નાખી દીધુ હતું. આ ઘટનાના થોડા સમય બાદ બાળકની તબિયત લથડી જવા લાગી હતી.

જ્યારે માતાએ જોયું કે બાળક બીમાર છે અને ઊલટી કરી રહ્યું છે, ત્યારે તેણે ઇમરજન્સી સર્વિસને ફોન કર્યો. પોતાનો ગુનો છુપાવવા માટે માતાએ પોલીસને એમ પણ કહ્યું હતું કે, તેની ૪ વર્ષની પુત્રીએ ફીડિંગ ટ્યુબમાં ડિટર્જન્ટ દાખલ કરવાની ભૂલ કરી હતી. બાળકને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ જ્યારે માતાએ જે કર્યું તેનો અફસોસ વ્યકત કર્યો ત્યારે તેણે પોલીસને સંપૂર્ણ સત્ય જણાવ્યું હતું. જ્યારે તે કોર્ટમાં પહોંચી ત્યારે પણ તેણે કહ્યું હતું કે તેણે જ તેના બાળકને બ્લીચ આપ્યું હતું. બાળક હાલમાં તેના દાદા-દાદી સાથે છે.

(12:33 pm IST)