Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પાકિસ્તાનમાં ૬૦ વર્ષનો પુરૂષ થયો પ્રેગનેન્ટ!

વ્યકિત ખાનગી લેબમાં યુરિન ટેસ્ટ માટે ગયો હતો, પરંતુ જયારે રિપોર્ટ આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયાં હતા, રિપોર્ટમાં તેમને ગર્ભવતી ગણાવ્યા હતા

કરાંચી, તા.૨૨: વૃદ્ઘ મહિલાઓની પ્રેગનેન્સી વિશે તમે સાંભળ્યું હશે પરંતુ વૃદ્ઘ પુરુષ પ્રેગનેન્ટ થઇ જાય તે વાત પર કોઇને વિશ્વાસ ન થાય. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનેવાલથી આવી જ એક ઘટના સામે આવી છે જયાં એક પ્રયોગશાળાએ ૬૦ વર્ષિય વૃદ્ઘને ગર્ભવતી જાહેર કર્યા હતા. હકીકતમાં, અલ્લા બિટ્ટા નામનો વૃદ્ઘ વ્યકિત સારવાર માટે ડીએચકયુ હોસ્પિટલમાં આવ્યો હતો. ત્યાં તેને યુરિન ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. આ પછી, આ વ્યકિત ખાનગી લેબમાં યુરિન ટેસ્ટ માટે ગયો હતો, પરંતુ જયારે રિપોર્ટ આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયાં હતા. રિપોર્ટમાં તેમને ગર્ભવતી ગણાવ્યા હતા.

આ વાતની જાણ સરકારી અધિકારીઓને થઇ ત્યારે તે પણ ચોંકી ઉઠ્યા, તેથી તેમણે આ બાબતે તપાસ શરૂ કરી. આ મામલો પાકિસ્તાનના હેલ્થકેર કમિશન સુધી પહોંચ્યો. આ પછી, ખાનેવાલના જિલ્લા કમિશનરે લેબને સીલ કરી દીધી હતી. લેબના માલિક અમીનની ધરપકડ કરવામાં આવી હતી.

આ લેબ ડી.એચ.કયુ. હોસ્પિટલની નજીક આવેલી છે. આરોગ્ય વિભાગે લેબની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે આ લેબ ગેરકાયદેસર રીતે કોઈ લાઇસન્સ વિના ચલાવવામાં આવી રહી છે. અહીં કોઈ માન્ય ડોકટરે કામ કર્યું ન હતું. આ લેબ છેલ્લા બે વર્ષથી કાર્યરત હતી.

આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાતાં લોકોએ અહીંની આરોગ્ય વ્યવસ્થાની મજાક ઉડાવી હતી. કેટલાકે તેને બનાવટી સમાચાર હોવાનું જણાવ્યું હતું અને કેટલાકે તેના માટે સરકારને દોષી ઠેરવી હતી. લોકોએ કહ્યું કે આ ખરેખર આશ્ચર્યજનક છે. દ્યણા લોકોએ એમ પણ કહ્યું હતું કે હવે લોકો લેબ રિપોર્ટ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વ્યવસ્થા નબળી હોવાના કારણે દર્દીઓને દ્યણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દ્યણી વખત ખોટા અહેવાલને લીધે, ખોટી સારવારથી જીવનું નુકસાન થાય છે. જણાવી દઇએ કે ગરીબીને કારણે લોકો અહીં મોટી હોસ્પિટલોમાં જઇ શકતા નથી અને નકલી ડોકટરોના ચક્કરમાં સરળતાથી ફસાઈ જાય છે. પંજાબ નકલી ડોકટરો અને લેબોથી ભરેલું છે. સરકારી હોસ્પિટલોની હાલત પણ દયનીય છે.

(10:22 am IST)