Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સપ્તાહનો સૌથી નિરાશાજનક દિવસ છે મંગળવાર

નવી દિલ્હી તા.૨૧: જે લોકો અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરીને શનિવારે અને રવિવારે રજા ભોગવતા હોય છે તેમને સોમવારે નોકરી પર જવાનો કંટાળો આવતો હોય  છે. આથી લોકોને એમ લાગે છે કે પાંચ દિવસના કામ બાદ બે દિવસનો આરામ કરનારા લોકોને સોમવારે ભારે કંટાળો આવતો હશે. જોકે એવું નથી. લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ મંગળવારનો દિવસ સપ્તાહનો સૌથી ડિપ્રેસિંગ દિવસ હોય છે. આ દિવસે સૌથી વધુ ઉદાસી અને નિરાશાનો અનુભવ થતો હોય છે. સંશોધનકારોએ એક મોબાઇલ એપના ઉપયોગ દ્વારા લગભગ બે મહિના સુધી અભ્યાસમાં ભાગ લેનારા ૨૨,૦૦૦ લોકોના મૂડ પર નજર રાખી. આ લોકોને દિવસમાં બે વખત મેસેજ કરીને તેમના મૂડ વિશે પૂછવામાં આવતું હતું કે આજે તેઓ કયાં છે અને કેવું ફીલ કરી રહ્યા છે, કોની સાથે છે અને શું કરી રહ્યા છે? આ અભ્યાસ બાદ મળેલા ડેટાના આધારે જાણવા મળ્યું હતું કે મંગળવાર સપ્તાહનો સૌથઈ નિરાશાજનક દિવસ છે. હોઇ શકે છે કે ઘણા લોકો માટે સોમવારે વીક-એન્ડ પૂરો ન થયો હોય એટલે મંગળવાર આવતા સુધીમાં તેઓ વધુ દુઃખી થઇ જતા હોય છે, કેમ કે ફરી પાછો વીક-એન્ડ આવવામાં હજી ત્રણ દિવસ બાકી હોય છે. સપ્તાહનો સૌથી ખુશીનો દિવસ શનિવાર હોય છે અને ખુશીની આ લાગણી લગભગ રવિવાર સુધી કાયમ રહેતી હોય છે.(૪.૧)

(11:49 am IST)