Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

બ્રિજ સાથેના લગ્નની છઠ્ઠી એનિવર્સરી મનાવી આ બહેને

સીડની તા. ર૧: તમે બરાબર વાંચ્યું. આ મૂળે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતાં જોડી રોઝ નામનાં બહેને એક બ્રિજ સાથે લગ્ન કર્યાં છે. ફ્રાન્સના કેરેટ શહેરમાં ટેચ નદી પર આવેલા ધ ડેવિલ્સ બ્રિજ તરીકે ઓળખાતા ૧૪મી સદીના પથ્થરના સેતુબંધ સાથે જોડી રોઝ નામનાં બહેને ર૦૧૩માં લગ્ન કર્યાં હતાં. જયારે તે ફ્રાન્સ ફરવા આવેલી ત્યારે તેને આ બ્રિજ બહુ ગમી ગયેલો. તેણે નકકી કરેલું કે પરણશે તો તે આ બ્રિજને જ. અને ખરેખર તેણે પોતાના ૧૪ મિત્રોની હાજરીમાં આ બ્રિજ પાસે આવીને લગ્ન કર્યાં પણ ખરાં. બ્રાઇડના સાજશણગાર સાથે તેણે ધ ડેવિલ્સ બ્રિજની પાળીને એક મોટી રિંગ પહેરાવી હતી અને પોતાની આંગળીમાં પણ રિંગ પહેરી હતી. એ રિંગ હજીયે તેની આંગળીઓમાં શોભે છે. જોડીબહેનનું કહેવું છે કે એક હસબન્ડમાં હોવા જોઇએ એ તમામ ગુણ બ્રિજમાં છે. એ ગુણ કયા? તો કહે છે કે પતિ આ બ્રિજ જેવો જ અડગ મજબૂત, વિશ્વનીય સેન્સ્યુઅલ, માયાળુ અને હેન્ડસમ હોવો જોઇએ. ફ્રાન્સમાં આ પ્રકારનાં લગ્ન કાનૂની નથી ગણાતાં છતાં જોડીબહેને આ લગ્નને પોતાની રીતે કાયમી માની લીધાં છે અને તાજેતરમાં ૬ વર્ષ પહેલાંનાં લગ્નની યાદો તાજી કરીને એનિવર્સરી પણ મનાવી હતી.

(3:18 pm IST)