Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હૈતીમાં યુનોનાં શાંતિ સૈનિકોએ મહિલાઓની મજબુરીનો લાભ લેતા અસંખ્ય મહિલાઓ માતા બની

૧૧ વર્ષની બાળકીઓને પણ ગર્ભવતી બનાવી હોવાનો ધડાકો

લંડનઃ કેરેબિયન ટાપુના હૈતી દેશમાં શાંતિ સ્થાપવા માટે ગયેલા યુનાઈટેડ નેશન્સના પીસમેકર્સે (શાંતિ સૈનિકો) ત્યાંની મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવીને અસંખ્ય મહિલાઓને માતા બનાવી છે જેમાં નાની બાળકીઓનો પણ સમાવેશ થાય છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે જેમાં ૧૧ વર્ષની બાળકીઓને પણ આ સૈનિકોએ ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

કુદરતી આફતગ્રસ્ત દેશમાં દ્યણી બાળકીઓએ ભોજન માટે ફકત થોડા સિક્કા મેળવવા માટે પોતાની જાતને આ સૈનિકોને સોંપવી પડી હતી અને તેમની સાથે સેકસના કારણે તેઓ ગર્ભવતી પણ બની છે. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે આ બાળકીઓએ બાળકોને જન્મ આપ્યા બાદ તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવી છે. હૈતીમાં ૨૦૧૦માં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને ત્યાં અફરાતફરી અને લૂંટફાટ ચાલી હતી. જેના કારણે ત્યાં શાંતિ સ્થાપવા માટે યુએનના શાંતિ સૈનિકોને મોકલવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ સેબિન લીની આગેવાનીવાળી ટીમે ૨૦૧૭માં ત્રણ મહિના સુધી યુએન કેમ્પની નજીક રહેતા લોકોમાંથી ૨,૫૦૦થી વધુ લોકોના ઈન્ટરવ્યુ કર્યા હતા. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે ૧૧ વર્ષની બાળકીઓ પણ આ શાંતિ સૈનિકો દ્વારા ગર્ભવતી બની હતી અને બાદમાં તેના બાળક સાથે તેને દયનીય હાલતમાં તરછોડી દેવામાં આવી હતી.

આ શાંતિ સૈનિકોમાં ઉરૂગ્વે, ચિલી, આજર્િેન્ટના, કેનેડા અને ફ્રાન્સ સહિત કુલ ૧૨ અલગ-અલગ દેશોના સૈનિકો સામેલ છે જેમણે સ્થાનિક મહિલાઓને ગર્ભવતી બનાવી છે. લીએ જણાવ્યું છે કે આ શાંતિ સૈનિકોના કેટલા બાળકો છે તેનો ચોક્કસ આંકડો મેળવવો અશકય છે. તેમણે કહ્યું હતું કે મોટા ભાગના સંશોધકો અને એનજીઓ અધિકારીઓનું એક વાત પર સંમત થયા છે કે આવા બાળકોની સંખ્યા હજારોમાં છે.

તેમણે ઉમેર્યું હતું કે આ દ્યણો ગંભીર મુદ્દો છે. હકિકત એ છે કે શાંતિ સૈનિકોએ સ્થાનિક મહિલાઓનું શારીરિક શોષણ કર્યું છે, તેમની મજબૂરીનો લાભ ઉઠાવ્યો છે અને હજારો બાળકો પેદા કર્યા છે. નોંધનીય છે કે ભયાનક ભૂકંપ બાદ કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો જેમાં ૧૦,૦૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

(3:35 pm IST)