Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પોલ-ડાન્સની આ મૂવ્સ જોઇને કોઇ કહી શકે કે આ ડાન્સર ૭૩ વર્ષનાં માજી છે?

બિજીંગ તા.૧૭: રિટાયરમેન્ટ લીધા પછી સિનિયર સિટિઝનો નવરાશની જિંદગી માણીને સાવ નિષ્ક્રિય થઇ જાય છે, પરંતુ ચીનમાં એક બુકસ્ટોરમાં કામ કરતાં દાઇ ડાલી નામનાં બહેન ૬૧ વર્ષે રિટાયર થઇ ગયાં. નિવૃતિ પછી બહેનને એટલી ઉદાસી વર્તાતી હતી કે તેમણે કંઇક ચેલેન્જિંગ કહેવાય એવું કામ કરીને સક્રિય રહેવાની ઇચ્છા જાગી. ૨૦૦૫ની સાલની આ વાત છે. રિટાયરમેન્ટ પછી તેમને ઘરની નજીક ચાલતા એક પોલ-ડાન્સિંગ કલાક વિશે ખબર પડી. ટાઇમપાસ થાય એ માટે તેમણે એ કલાસમાં જવાનું શરૂ કર્યું. ૬૫ વર્ષની ઉંમરે માજીને પોલ-ડાન્સિંગ સાથે પ્રેમ થઇ ગયો. જે ઉંમરે લોકો લાકડી પકડીને બેલેન્સ કઇ રીતે જાળવવું એની ચિંતામાં હોય એ ઉંમરે એક પોલની ફરતે હવામાં લહેરાઇને કરવાનો ડાન્સ તેમને બહુ ગમવા લાગ્યો. હવે તો દાઇબહેન પ્રોફેશ્નલ પોલ-ડાન્સર બની ચૂકયાં છે. માજીનું કહેવું છે કે શરૂઆતમાં આ ડાન્સ શીખવામાં તેમને ખુબ જ તકલીફ પડી અને અનેકવાર પડવા-વાગવાને કારણે અઠવાડિયાઓ સુધી પથારીવશ પણ થવું પડયું. પણ ડાન્સ પ્રત્યેનું મારૂ પેશન અકબંધ રહ્યું. ત્રણ વર્ષ પહેલાં દાઇબહેને એશિયાઝ ગોટ ટેલન્ટમાં પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. એ વખતે પણ તેઓ જે સ્ફુર્તિથી પોલની ફરતે અપ-ડાઉન થઇને પોઝ આપતા હતા એ જોઇને પ્રેક્ષકો દંગ રહી ગયેલા. તાજેતરમાં ફરીથી તેમની નવી વિડિયો-કિલપ્સ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છે અને હાલમાં ૭૩ વર્ષની ઉંમરે પણ તેઓ જે રીતે પગ સ્પ્લીટ કરીને બેસી શકે છે એ જોઇને ઇન્ટરનેટ-યુઝર્સ માજી પર ફીદા થઇ ગયા છે.

(3:29 pm IST)