Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નાક કે મોઢું દબાવીને છીંક રોકવાનો પ્રયત્ન ન કરતા, ઘાતક પુરવાર થઇ શકે

નવી દિલ્હી તા. ૧૭ :.. તમને જોરદાર છીંક આવતીહોય અને એને નાક દબાવીને રોકવાનો પ્રયત્નો કરો તો એ પ્રયાસ આત્મઘાતી નીવડી શકે છે. બ્રિટનમાં નાક દબાવીને છીંક રોકવાના પ્રયત્નથી એક વ્યકિતના ગળાને ગંભીર નુકસાન થયા પછી મુળ ભારતીય ડોકટરો સહિત અનેક ડોકટરોએ એવા પ્રયાસ બાબતે ચેતવણી આપી છે. એ વ્યકિતને છીંક રોકવાના પ્રયાસમાં ગળાનો પાછલો ભાગ તૂટી ગયો હતો.

ગળાનો પાછલો ભાગ તુટી જવાની ઘટના ભાગ્યે જ બને છે. એના પરિણામે માનસીક આઘાત લાગવા ઉપરાંત ઊલટી થાય, ભારે ખાંસી આવે એવું બની શકે છે. બ્રિટનમાં ૩૪ વર્ષના દરદી સાથે એવું બન્યું ત્યારે ઇમર્જન્સી કેર ડોકટર્સને આશ્ચર્ય થયું હતું. એ દરદીને ગરદન જકડાઇ જવાની વ્યાધિ થઇ હતી. એ દરદીએ જોરદાર છીંક આવતી રોકવા માટે નાક દબાવવા ઉપરાંત મોઢું હોઠ ભીડીને બંધ રાખવાને કારણે આ વ્યાધિ વણસી હતી. ગરદન પર સોજો પણ ચડી ગયો હતો. થોડા વખતમાં એ દરદી માટે કંઇ પણ ગળવાનું મુશ્કેલ બની ગયું અને અવાજ બંધ થઇ ગયો હતો.

ડોકટરોએ એ ૩૪ વર્ષના દરદીને તપાસ્યો ત્યારે ગળાથી હાડપીંજર સુધી પહોંચતા ટચાકાના અવાજો સંભળતા હતાં. એ છાતીના સ્નાયુઓ અને કોષોની ભીતર હવાનો પરપોટો ઊતરી ગયો હોવાનું લક્ષણ હતું. એ બાબત સીટી સ્કેનમાં કન્ફર્મ  થઇ હતી. ગંભીર અસરો થવાનું જોખમ જણાતાં એ દરદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં એ દરદીના ગળાનો સોજો અને દુખાવો ખતમ થાય ત્યાર સુધી તેને ટયુબ વડે ખોરાક આપવામાં આવતો હતો અને નળી દ્વારા ઇન્ટ્રાવીનસ એન્ટિબાયોટીકસ આપવામાં આવતા હતાં. સાત દિવસ પછી એ દરદી સંપુર્ણ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડીસ્ચાર્જ વેળા તેને ભવિષ્યમાં છીંક આવે ત્યારે બન્ને નસકોરા બંધ નહીં કરવાની સુચના આપવામાં આવી હતી.  ડોકટર્સે સ્પષ્ટ કહયું કે 'નસકોરા બંધ કરીને છીંક રોકવાનું પગલું ગંભીર રીતે જોખમી નીવડે એમ હોવાથી એવું કરવું ન જઇએ.' એને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઇ શકે. છાતીમાં બે પાંસળીઓ વચ્ચે વાયુનો પરપોટો ફસાઇ શકે અથવા કાનના પડદામાં કાણું પડી શકે. એ ઉપરાંત મગજમાં લોહી પહોંચાડતી નળી તુટી જાય એવું બની શકે.

(4:17 pm IST)