Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બટન દબાવતાં આપમેળે સાફ થઇ જાય એવી વોટર બોટલ શોધાઇ

નવી દિલ્હી તા. ૧૬: તમે ઓફિસમાં વર્ક-સ્ટેશન પર પાણીની બોટલ ભરીને બેસવાની આદત ધરાવતા હો તો એને રોજ સાફ કરવાની આદત પણ રાખવી જોઇએ. જોકે નિયમિતપણે પાણીની બોટલ સાફ કરવાનું ભાગ્યે જ લોકોને યાદ આવે છે. અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં આવેલી સ્ટાર્ટ-અપ કંપનીએ અલ્ટ્રાવાયોલેટ-સી કિરણોની મદદથી પાણીની બોટલ આપમેળે સાફ અને સ્ટરિલાઇઝ્ડ થઇ જાય એવી શોધ કરી છે. બોટલમાં અલ્ટ્રાવાયલોેટ કિરણો છોડતી માઇક્રોચિપ મૂકવામાં આવી હોવાથી ઢાંકણ ઉપરનું બટન દબાવતાં જ એમાં કિરણો છૂટે છે અને બોટલની અંદરથી બેકટેરિયા અને વાઇરસનો ખાતમો બોલી જાય છે. કંપનીનો દાવો છે કે એડવેન્ચર મોડમાં આ બોટલ ૯૯,૯૯૯ ટકા બેકટેરિયા અને ૯૯.૯૯ ટકા વાઇરસનો ખાતમો બોલાવી શકે છે. આ કદાચ વિશ્વની પહેલી જાતે સાફ થઇ જતી વોટર બોટલ છે. આ બોટલને સાફ કરવા તમારે બ્રશ, ગરમ પાણી, સાબુની જરૂર નથી અને સાફ કર્યા પછી તડકે સૂકવવાની પણ જરૂર નથી. નોર્મલ મોડમાં સાફ કરવી હોય તો જસ્ટ ઢાંકણ પર એક વાર બટન પ્રેસ કરવું અને એડવેન્ચર મોડમાં સાફ કરવી હોય તો બે વાર પ્રેસ કરવું. બટન દબાવ્યા પછી ત્રણ જ મિનિટમાં એ જર્મ-ફ્રી થઇ જાય છે.

(4:11 pm IST)