Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ઝીમ્બાબ્વેમાં વન્ય જીવોના સૌથી મોટા સ્થળાંતરની તૈયારી જંગલોમાં મોટો દુકાળ પડશેઃ બે મહિનામાં ર૦૦ હાથીના મોત

હરારે તા. ૧પઃ ઝીમ્બાબ્વેના જંગલો અત્યારે ભયંકર દુકાળનો માર સહી રહ્યા છે. દેશના મુખ્ય જંગલો માના પુલ અને હયાંગે નેશનલ પાર્કમાં પાણીની એટલી તંગી થઇ ચુકી છે કે જાનવરો મરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ર૦૦ થી વધારે હાથીઓના મોત થઇ ચુકયા છે. જયારે કેટલાય બીજા જાનવરો પણ પાણીના અભાવે દમ તોડી ચુકયા છે.

હવે ઝીમ્બાબ્વે સરકાર આ પ્રાણીઓને કોઇ સુરક્ષિત જગ્યાએ મોકલવાની યોજના પર કામ કરી રહી છે. તેના હેઠળ વન્યજીવ એજન્સી ૬૦૦ હાથીઓ, સિંહના બે ઝુંડ, જંગલી કુતરાઓનું એક ગ્રુપ, પ૦ પાડા, ૪૦ જીરાફ અને લગભગ ર૦૦૦ હરણોને શીફટ કરશે. આ પ્રાણીઓને દક્ષિણ-પુર્વ ઝીમ્બાબ્વેના સેવ વેલી કન્ઝરવન્સી માંથી ઉત્તરના ૩ અન્ય રીઝર્વમાં મોકલશે.

વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલ ચાર્લ્સ જોંગાનું કહેવું છે કે દુકાળે દેશના પાર્કોમાં પાણીની સ્થિતી પહેલા જ ગંભીર કરી મુકી હતી. જંગલો ઘટી રહ્યા છે. વર્ષોના દુકાળથી ચારા અને પાણીની અછત ઝડપથી વધી છે. ઝીમ્બાબ્વેમાં ૮પ૦૦૦ હાથી છે પણ રાષ્ટ્રીય ઉદ્યાન અને સંરક્ષણ ક્ષેત્ર ફકત પપ૦૦૦ હાથીઓને જ સંભાળી શકે છે.

પાણી અને ભોજનની ખોજમાં પશુઓ જંગલમાંથી ગામમાં આવી જાય છે. ઘણી વાર આવી સ્થિતિમાં તે ગ્રામવાસીઓ પર હુમલો કરી દે છે. આના લીધે માણસ અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. તેમાં લગભગ ર૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, ઝીમ્બાબ્વેમાં પ૦ લાખ ગ્રામીણો દુકાળના ભયથી પલાયન કરી ચુકયા છે. જે દેશની કુલ વસ્તીનો લગભગ ત્રીજો ભાગ છે. લોકોને ભય છે કે જો ર૦ર૦માં સારો વરસાદ નહીં થાય તો ખાવાના સાંસા પડવાના છે.

(3:44 pm IST)