Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

શું પોલિયો જેવું જિંદગીભરનું દર્દ આપી જશે કોરોના

સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કોવિડ-૧૯ને લઇને વર્તમાન પેઢીને આપી ચેતવણી : કોરોનાના લક્ષણ આવતા - જતા રહેશે

લંડન તા. ૧૨ : કોરોનાને માત આપનારા દર્દીઓને તેનાથી ઉત્પન્ન થયેલ તકલીફોનો જીવનભર સામનો કરવાનો વારો આવી શકે છે. તેમાં શારીરિક દુર્બળતાથી માંડીને ફેફસા, હૃદય, મગજને થયેલ. નુકસાન અને પંગુતા સામેલ છે. બ્રિટનના ટોચના આરોગ્ય નિષ્ણાંતોએ આ ચિંતા દર્શાવી છે. તેમણે કોરોનાને વર્તમાન પેઢી માટે પોલિયો જેટલો ખતરનાક જાહેર કર્યો છે.

નિષ્ણાંતોએ સંક્રમિતોના આંકડાઓના વિષ્લેષણના આધારે દાવો કર્યો છે કે કોરોનાના લક્ષણો આવતા જતા રહી શકે છે. ઘણાં કેસોમાં દર્દીને ૩૦ દિવસ અથવા તેનાથી વધારે સમય સુધી તેની સામે લડવું પડી શકે છે, જે વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી નક્કી કરાયેલ. સંક્રમણની બે સપ્તાહની ઓફિશ્યલ મુદતથી ઘણી વધારે છે. સઘન સારવારમાં રખાયેલ દર્દીઓને કોરોના મટયા પછી હૃદય, ફેફસા અને માંસપેશીઓની તકલીફ સતાવી શકે છે.

પૂર્વ લંડનમાં કોરોનામાંથી સાજી થયેલ એક મહિલા હૃદયની ગંભીર બિમારીનો શિકાર થઇ ગઇ છે. ડોકટરો અનુસાર, શરદી, ઉધરસ અને તાવ આવ્યાના નવ અઠવાડિયા પછી તેને 'ડાયલેટેડ કાર્ડીયોમાયોપેથી'ની તકલીફ થઇ ગઇ છે. આ રોગમાં હૃદયની કોશીકાઓમાં સોજો આવવાથી શરીરના વિવિધ ભાગોમાં લોહીના પ્રવાહમાં મુશ્કેલી ઉભી થાય છે. મહિલા અનુસાર, ખાનપાન પર નિયંત્રણ અને કસરત દ્વારા ડાયલેટેડ કાર્ડીયોમાયોપેથીના લક્ષણોમાં સુધારોતો આવે છે પણ કેટલાક કેસોમાં પેસમેકર લગાડવાની જરૂર પડી શકે છે. કેટલાક કેસમાં હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટેશન સુધીની નોબત આવી શકે છે. મહિલાએ જણાવ્યું કે, હજુ પણ તેને શ્વાસ લેવામાં ઘણીવાર તકલીફ આવી જાય છે.

વડાપ્રધાન બોરીસ જોન્સનનો ઇલાજ કરનાર ફેફસાના રોગના નિષ્ણાંત ડોકટર નિકોલસ હાર્ટે દાવો કર્યો છે કે કોરોના વાયરસ વર્તમાન પેઢી માટે પોલીયોની જેમ ગણાઇ શકે છે. લક્ષણો દેખાયાના કેટલાય મહિના અથવા તો વર્ષો પછી પણ તેનાથી ઉત્પન્ન થયેલ સમસ્યાઓ સામે લડવું પડી શકે છે.

(3:50 pm IST)