Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રશિયન બકરી મૃત્યુ પામી

વાઘ સાથે દોસ્તી કરીને ફેમસ થયેલી

મોસ્કો તા ૧૧  : વાઘ સાથે દોસ્તી થતાં આખા રશિયામાં મશહુર થઇ ગયેલી તિમુર નામની બકરી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામી. રશિયાના વ્લાદિવોસ્તોક સફારી પાર્કના ડિરેકટર દમિત્રી મેઝોનેન્સેવે જણાવ્યું હતું કે '' પાંચેક વર્ષની એ બકરીને દફનાવવામાં આવી હતી. ૨૦૧૫માં એને આકસ્મિક રીતે સાઇબિરિયન વાઘ સાથે દોસ્તી થઇ હતી. તાજેતરમાં એ વાઘ સાથે ઝઘડો થયા પછી બકરી તિમુરની તબિયત કથળવા માંડી હતી.''

હકીકત એમ હતી કે, તિમુરને ખરેખર તો સાઇબિરીયન વાઘ 'અમુર'ના ખોરાક તરીકે સફારી પાર્કમાં મોકવામાં આવી હતી. ૨૦૧૫માં બકરી તિમુરને વાઘ અમુરના પાંજરામાં ઘકેલવામાં આવી ત્યારે એ નિર્ભયતાથી ત્યાં ઉભી રહી ગઇ હતી. એ નીડરતાને કારણે તિમુર અને અમુર વચ્ચે અજીબોગરીબ દોસ્તી થઇ ગઇ. એ દોસ્તી એટલી પાકી થઇ ગઇ હતી કે બન્ને એક પાંજરામાં સાથે સુતા, સાથે રમતા, સમય વીતતાં તિમુરની હિંમત વધી અને અમુરને પડકારવા માંડી. ૨૦૧૬ના જાન્યુઆરી મહિનામાં વાઘ માટે બકરીનું વર્તન અસહ્ય બન્યું ત્યારે એણે બકરીને ઉંચા ટેકરા પરથી ધકેલી દીધી હતી. એકાદ મહિના પહેલા બકરી તિમુરે વાઘ અમુર સાથે જોરદાર ઝઘડો કર્યો હતો. એ જોઇને સફારી પાર્કવાળાએ બંન્નેને છુટાં પાડી દીધા, જોકે આ ઘટના પછી બકરીની તબીયતા બગડી હતી અને રહસ્યમય બીમારીને કારણે થોડા દિવસ પહેલાં એ મૃત્યુ પામી

(3:29 pm IST)