Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

યુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર

જાહેરાતમાં સ્ટુડેન્ટ સાઇન બોર્ડ સાથે ઉભી છે જેમાં લખ્યું છે કે-તમે મારી સાથે આ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સવારથી સાંજ સુધી સમય પસાર કરવાનું પસંદ કરશો?

બેઇજિંગ,તા.૧૧ : કોરોના કાળમાં લોકડાઉન બાદ અનલોક થઇ રહેલી દુનિયામાં તમામ ક્ષેત્રો હવે તેની કોરોના પહેલાની સ્થિતિમાં આવવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ લક્ષને પાર કરવા માટે ઘણીવાર ભૂલો થઇ જાય છે જેનુ પરિણામ પણ પ્રતિષ્ઠા ગુમાવીને ભોગવવું પડે છે. ચીનની એક યુનિવર્સિટી સાથે પણ આવુ જ બન્યું. અહીંની ટોપની એક યુનિવર્સિટીએ એડમિશન માટે કેટલીક જાહેરાતો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે પછી ભારે હંગામો થયો.

ચીનની નાનજિંગ યુનિવર્સિટીએ કેટલાક દિવસ પહેલા એડમિશન માટે જાહેરાત આપી હતી, જેમાં અહીં અભ્યાસ કરતી છ સ્ટુડેન્ટને દેખાડવામાં આવી હતી. જાહેરાતમાં આ તમામ સ્ટુડેન્ટ તેમના હાથમાં અલગ અલગ બોર્ડ લઇને યુનિવર્સિટીના અલગ અલગ ભાગમાં ઉભેલી જોવા મળે છે. જેને જોઇને લોકો ભડકી ગયા હતા. કારણ કે એક સ્ટુડેન્ટના હાથમાં રાખેલા બોર્ડમાં લખ્યું હતું કે, તમે મારી સાથે આ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સવારથી સાંજ સુધી સમય પસાર કરવાનું પસંદ કરશો?

આ સિવાય અન્ય એક સ્ટુડેન્ટના સાઇન બોર્ડમાં પણ લખવામાં આવ્યું હતું કે શું તમે મને તમારા યુથનો હિસ્સો બનાવવા નથી ઇચ્છતા? આ બંને તસવીરો જાહેર થતાં એનજેયુને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે અન્ય સ્ટુડેન્ટના હાથમાં રહેલા સાઇન બોર્ડમાં લખેલા વાકયોને લઇને કોઇ વિવાદ સર્જાયો ન હતો.

યુનિવર્સિટીએ જાહેરાત પોસ્ટ કરતાં જ લોકોમાં ભારે રોષ જાગી ઉઠ્યો હતો અને સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટમાં આ યુનિવર્સિટીના સેકિસસ્ટ વલણ સામે વિરોધ જતાવવા લાગ્યા. ઘણા યુઝર્સે એવી કોમેન્ટ પણ કરી હતી કે યુવકોને આકર્ષવા માટે યુવતીઓનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે?

જોકે ભારે વિવાદ થતાં યુનિવર્સિટીએ તમામ જાહેરાતોને હટાવી લીધી હતી, એની સામે કેટલાક લોકોનું એવુ માનવુ હતું કે સોશિયલ મીડિયા પર લોકોએ વધારે પડતી પ્રતિક્રિયા આપી છે, આ જાહેરાતોને આટલી ગંભીરતાથી લેવાની જરૂર ન હતી.

(10:25 am IST)