Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વજન ઘટાડવું છે ? બેરી, નાસપત્તી, સફરજન જેવા ફળો રોજ ખાવ

વધારે પડતા ફળો ખાવાથી પણ વજન વધી શકે છે પરંતુ ફળ ખાવામાં પણ સંયમ જરૂરી

જો તમને બેરી, નાસપત્તી, સફરજન જેવા ફળો ભાવતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. વજન ઘટાડવા માટે ફળોનો ત્યાગ કરવો જરૂરી નથી. ફળોમાં કાર્બસ અને કુદરતી સુગર હોય છે પણ તમારા ખોરાકમાં ફળોને રોજ લેવા માટેના અગત્યના કારણો છે. તમે પાતળા થવા માગતા હો ત્યારે પણ તેને લઇ શકાય છે. પણ તેને વ્યૂહાત્મક રીતે ખાવામાં આવે તો તમે તમારૂ વજન ઘટાડી શકો છો.

ફળોમાં રહેલા કુદરતી પદાર્થો જેમાં વીટામીનો, મીનરલ્સ, એન્ટીઓક્ષીડેન્ટસ, રેસા અને પ્રીબાયોટીકસ શામેલ છે તે તમારા માટે સારા છે કેમકે તે રોગથી તો બચાવે જ છે. સાથે સાથે તે તમારૂ વજન પણ કંટ્રોલ કરે છે. તમે ભલેને ઘણા બધા શાકભાજી ખાતા હો પણ ફળો ન લો તો તેનો મતલબ છે તેમાંથી મળતા કિંમતી એન્ટીઓક્ષીડેન્ટથી તમે વંચિત રહી જાઓ છો.

સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, ફળોથી વજન વધતું નથી, ઘટે છે. એક અભ્યાસનું તારણ છે કે પુખ્ત વયના વધુ વજનવાળા અને જાડા લોકોમાંથી જે વધારે ફળ ખાય છે તેમનું વજન ફળો ન ખાનારા કરતા વધારે ઘટયું હતું. ૨૪ વર્ષ સુધી ૧,૩૦,૦૦૦ લોકો પર કરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, વજન ઘટાડો ફળો સાથે સંકળાયેલો છે.

આનું કારણ એ છે કે ફળો ખાવાથી તમને ધરવ થઇ જાય છે અને મીઠું ખાધાનો સંતોષ થાય છે જેના કારણે આઇસ્ક્રીમ કે બેકરી આઇટમ ખાવાની ઇચ્છામં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે એક નારંગી લઇએ તો તેમાં ૧૭ ગ્રામ કાર્બસ, ૧ર ગ્રમા કુદરતી સાકર હોય છે. પણ તેમાં રોજીંદી જરૂરીયાતના ૧ર ટકા રેસા અને ૧૦૦ ટકા વીટામીન સી હોય છે સાથે સાથે વીટામીન બી, પોટેશ્યમ અને બ્લડ પ્રેસર તથા કોલેસ્ટ્રોલ ઘટાડનાર હેસ્પીરીડીન જેવા પદાર્થો પણ હોય છે.

સાથે એ પણ જણાવવાનું કે એનો મતલબ એ નથી કે તમે અસંખ્ય ફળો જ ખાતા રહો. ફળોમાં કાર્બો હાઇડેટસ હોય છે. જેનું કામ કોષની પ્રવૃતિને ઇંધણ આપવાનું છે. જો તમે વધારે પડતા કાર્બડ ખાવ તો બિન જરૂરી વધારાના કાર્બોહાઇડેટસ ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા થતા જાય છે.

આ કારણથી કેટલા કાર્બેહાઇડ્રેટસ લેવા તે તમારી ફયુઅલ ડીમાન્ડ પર આધાર રાખે છે જેની ગણત્રી તમારી ઉંચાઇ, વજન, જાતી, ઉમર અને શારીરિક પ્રવૃતિઓ પર આધાર રાખે છે.

આ ઉપરાંત ફળો તમે કયારે ખાવ છો તે પણ અગત્યનું છે. એક મોટુ બાઉલ ભરીને દ્રાક્ષ જો તમે રાત્રે ટીવી જોતા જોતા ખાઇ જાવ (જયારે તમારી ફયુઅલ ડીમાન્ડ બીલકુલ ઓછી છે) તો તે બુધ્ધિપૂર્વકનું ન ગણી શકય. તેના બદલે તમારા કામે ચડવાના એક કલક પહેલા જો તે નાસ્તા અથવા ભોજન સાથે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક બને છે.અંતમાં ફળોમાં ઘણા બધા ન્યુટ્રીઅન્ટ હોય છે અને તે જાડા નથી બનવા દેતા. તમારા વજન પર તેની અસર તમે તે કયારે અને કેટલા પ્રમાણમાં ખાવ છો તેના પર આધાર રાખે છે. પણ જો તેને ખોરાકમાંથી દેશ-નિકાલ કરવામાં આવે તો વજન અને આરોગ્ય પર તેની અવળી અસર થાય છે. એટલે તમારા ખોરાકમાં ફળોનું યોગ્ય પ્રમાણ જાળવો અને માંદગી તથા મોટાપાથી બચો.

(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:39 pm IST)