Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

દેશના પ૪ ટકા લોકોને ફિઝિકલ એકિટવિટીમાં રસ નથી

નવી દિલ્હી, તા.૭: જે લોકો કસરત કરવાના આળસુ છે અને આળસ જીવનશૈલી ધરાવે છે તેમણે ચેતી જવાની જરૂર છે, કારણ કે દેશમાં આર્થ્રારાઇટિસ જેવી બીમારી હવે ઘરડા લોકોને નહીં પણ યુવાનોને થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં પ૪ ટકા કરતાં વધુ લોકો શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં રસ ધરાવતા નથી અને ૧૦ ટકા જેટલા લોકો માત્ર મોજ માટે જ શારીરિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રીપોર્ટ મુજબ વિશ્વનો પાંચમાંથી એક વયસ્ક અને પાંચમાંનું એક બાળક શારીરિક પ્રવૃત્તિઓ કરતાં નથી જેને કારણે હેલ્થકેર પર સીધો પ૪ અબજ ડોલર (અંદાજે ૩૬૯ કરોડ રૂપિયા)ની અસર પડે છે.

લોકો પ્રવાસ અને મનોરંજન સાથે જોડાયેલી શારીરિક પ્રવૃત્તિઓની તુલનાએ કામ કરવામાં વધુ સમય વિતાવે છે. આળસુ જીવનશૈલી, કસરત ન કરવી કે પછી કોઇ પ્રોફેશનલની દેખરેખ વિના કસરત કરવાથી યુવાન વયે જ સાંધાઓમાં તકલીફો શરૂ થઇ જાય છે. માનવીની વયની વધવા સાથે જ તેની કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. શરીરનાં હાડકાંની ફરી બનવાની કે રીપેર થવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. આપણા ઘૂંટણોના સાંધામાં આવેલા કાર્ટિલેજના નામે ઓળખાતા મુલાયક ટિશ્યુ માંસપેશીઓને આધાર આપે છે, જેને લીધે પ્રવૃત્તિ કરવામાં આસાની રહે છે. આ કાર્ટિલેજ શોકએસોર્બરનું કામ કરે છે. સમયાંતરે આ મુલાયમ ટિશ્યુને ઘસારો પહોંચે છે, જેને કારણે સાંધામાં જગ્યા બનવી શરૂ થાય છે. કાર્ટિલેજના ડીજનરેશનને લીધે આર્થ્રાઇટિસ થાય છે જેનાથી ઘૂંટણમાં દર્દ, સોજો, સાંધામાં ગરમાવો અને જડતા આવે છે. એને લીધે માનવીની ચાલમાં એક અસહજતા જોવા મળે છે. આ તકલીફને વણદેખી કરવાથી દર્દીને ચાલવામાં તકલીફ પડી શકે છે અને લાંબા ગાળે પંગુતા પણ આવી શકે છે.

(3:44 pm IST)