Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મગજને જ નહીં પેટને પણ ડીપ્રેશન સાથે છે સંબંધઃ ડીપ્રેશન વારસાગત રોગ છેઃ ૩૦ કરોડ લોકો ડીપ્રેશનથી પીડિતઃ દર વર્ષે ૮ લાખના મોત

બ્રસેલ્સ સીટીઃ. લોકો માને છે કે ડીપ્રેશનનો સંબંધ માણસના મગજ સાથે છે પણ હવે જાણવા મળ્યુ છે કે, તેનો સંબંધ પેટમાં જોવા મળતા બેકટેરીયા સાથે પણ હોય છે. આ ચોંકાવનારો ખુલાસો બેલ્જીયમના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

શોધકર્તાઓ અનુસાર પેટમાં એવા સૂક્ષ્મ જીવો પણ હોય છે જે વ્યકિતના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર ઉત્પન્ન કરે છે. તેના કારણે તે વ્યકિતમાં ડીપ્રેશનનું જોખમ ઉભું થાય છે. શોધના પરિણામોથી ડીપ્રેશનના ઈલાજની પ્રક્રિયાને નવી દિશા મળી છે. હવે નિષ્ણાતો આની સાથે જોડાયેલી દવાઓ પર કામ કરશે.

૧ હજાર લોકો પર પ્રયોગ

રાયસ ફલેમિશ ગટ ફલોરા પ્રોજેકટના નામથી આ શોધમાં ૧ હજારથી વધારે લોકોના ડીપ્રેશનના આંકડા અને તેમના ઝાડાના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. શોધકોને જાણવા મળ્યુ કે તણાવગ્રસ્ત લોકોમાં તે પ્રકારના બેકટેરીયા સતત ઘટી રહ્યા છે. આ પરિણામ જ્યારે તે લોકોને ડીપ્રેશન નહોતુ ત્યારે પણ એ જ રહ્યું હતું.

ડીપ્રેશન વારસાગત છે

સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ ડીપ્રેશન માટે જવાબદાર ૧૦૦થી પણ વધારે જીન ઓળખી કાઢયા છે. યુનિવર્સિટી ઓફ એડીનબર્ગના નિષ્ણાંતોએ ૨૦ દેશોના ૨૦ લાખ લોકો પર રીસર્ચ કરી તારણ કાઢયુ કે જે લોકોમાં આનુવંશિક ફેરફાર વધારે થાય તેઓ વધારે ડીપ્રેશ્ડ જોવા મળ્યા. શોધથી એ પણ નિષ્કર્ષ નિકળે છે કે જીનમાં ફેરફાર એક તૃત્યાંશ કેસોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને તે પેઢી દર પેઢી વધી શકે છે.(૨-૧૮)

(3:25 pm IST)