Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પીવા, ખાવા અને જીવન જીવવાના કોર્સમાં માસ્ટર્સની ડિગ્રી આપે છે ફ્રેન્ચ યુનિવર્સિટી

જીવન જીવવાનો આનંદ મેળવવા માટે મહત્ત્વની બાબત ખાઈપીને ખુશ રહેવામાં જ છે એમ માનનારા વિશ્વમાં ઓછા નથી

પેરિસ, તા.૬: જીવન જીવવાનો આનંદ મેળવવા માટે મહત્ત્વની બાબત ખાઈપીને ખુશ રહેવામાં જ છે એમ માનનારા વિશ્વમાં ઓછા નથી. પ્રત્યેક માનવીની જીવનશૈલીમાં આ તમામ બાબતો વણાઈ ચૂકી હોવા છતાં કેટલાય લોકો એવા છે જે આ જ બાબતને જીવનમાં અત્યંત આવશ્યક ગણતા હોય છે. આપણી આસપાસમાં આવા અસંખ્ય લોકો જોવા મળી શકે છે.

પરંતુ હવે ફ્રાન્સની એક ટોચની યુનિવર્સિટી પીવા, ખાવા તેમ જ જીવન જીવવાની બાબતને ગંભીરતાથી લઈ માસ્ટર્સની ડિગ્રી ઓફર કરે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ જે વ્યકિત પીવાનું, ખાવાનું અને રહેવાનું પસંદ કરે છે તે ફ્રાન્સની સૌથી પ્રતિષ્ઠિત પોલિટિકલ સાયન્સ સ્કૂલમાંથી એક સાયન્સ પો લિલીમાંથી માસ્ટર્સ ડિગ્રીધારક બની શકે છે. બીએમવી (બોયર, મૈંગર, વિવર)નામે ઓળખાતા આ કોર્સ હેઠળ ખોરાક, પીણાં અને 'જીવંત' વિશેના વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. આ કોર્સમાં 'ગેસ્ટ્રો-ડિપ્લોમસી', ફૂડ ટેક અને રસોડામાં લૈંગિકવાદ સામે લડવાનો પણ સમાવેશ થાય છે.

આ કોર્સમાં સ્ટુડન્ટ્સ જીવનશૈલી, માંસના છોડ-આધારિત વિકલ્પો, ખેતીનો ઇતિહાસ અને અન્ય વિષયો પર નિબંધો લખવા ઉપરાંત ખોરાક અને પીણાં પરની પરિષદોમાં પણ હાજરી આપે છે.

અન્ય બાબતોમાં વિદ્યાર્થીઓ ગુણવત્તા અને કાર્યકારી પરિસ્થિતિઓ વિશે એકબીજાને પ્રશ્નોત્તરી કરવા માટે ટીવી પત્રકારો, ખાદ્ય સમીક્ષકો અને ફૂડ ડિલિવરી કંપનીઓના બોસની ભૂમિકા ભજવે છે.

(3:54 pm IST)