Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કેનેડાના પીઆર મેળવનારાઓમાં કેવા લોકોને સૌથી વધુ કમાણી થઈ રહી છે?

૨૦૨૨માં કેનેડાની સરકાર અત્યારસુધી ક્યારેય ના અપાયા હોય તેટલી મોટી સંખ્યામાં ભ્ય્ આપશે તેવું અનુમાન : કોરોનાને કારણે ૨૦૨૦માં કેનેડા માત્ર ૧.૮૫ લાખ લોકોને જ પીઆર આપી શક્યું હતું: કેનેડામાં ભણવાનો અને કામ કરવાનો અનુભવ હોય તે લોકોને સૌથી વધુ ફયદો

નવી દિલ્હી, તા.૬: વિદેશ સ્થાયી થવા ઈચ્છતા ગુજરાતીઓ માટે કેનેડા સૌ પહેલી પસંદ બની રહ્યો છે. વળી, કેનેડા પણ તાજેતરના વર્ષોમાં મોટી સંખ્યામાં વિદેશીઓને આવકારી રહ્યું છે, અને તેમને પીઆર આપી રહ્યું છે. કોરોનાને કારણે ૨૦૨૦માં કેનેડા દ્વારા ઈશ્યૂ કરાયેલા પીઆરમાં ઘટાડો થયો હતો. જોકે, ૨૦૨૧માં ફ્રી સ્થિતિ સામાન્ય બની હતી. હવે ૨૦૨૨માં કેનેડાની સરકાર રેકોર્ડબ્રેક સંખ્યામાં લોકોને પીઆર આપવા જઈ રહી છે.
કેનેડામાં પીઆર મળવું પ્રમાણમાં સરળ બની રહ્યું છે, તેવામાં કેનેડામાં તાજેતરમાં સેટલ થયેલા લોકો કેટલી કમાણી કરી રહ્યા છે તેના રસપ્રદ આંકડા સામે આવ્યા છે. એક અભ્યાસ અનુસાર, હાલની સ્થિતિમાં કેનેડામાં બહારથી આવીને વસેલા લોકો મૂળ કેનેડાના હોય તેના કરતાં પણ વધારે નાણાં કમાઈ રહ્યા છે.
આ સર્વે અનુસાર, ૨૦૧૯માં કેનેડાના પીઆર મેળવનારા તમામ લોકો સરેરાશ વાર્ષિક ૩૧,૯૦૦ કેનેડિયન ડોલર કમાતા હતા. આ સ્તર ૧૯૮૧થી અત્યારસુધી સૌથી વધુ છે. તેમાંય જેમની પાસે કેનેડાના પીઆર મેળવતા પહેલા અહીં ભણવાનો અને કામ કરવાનો અનુભવ હતો તે લોકો સૌથી વધુ મહેનતાણું મેળવી રહ્યા છે. ૨૦૧૮માં કેનેડા આવીને વસેલા લોકો વાર્ષિક સરેરાશ ૪૪,૬૦૦ ડોલર મહેનતાણું મેળવતા, જયારે મૂળ કેનેડાના લોકોને આ જ વર્ષમાં સરેરાશ ૩૮,૮૦૦ ડોલર મહેનતાણું મળ્યું હતું.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે કેનેડાનો પ્રિ-એડમિશન એક્સપિરિયન્સ અને ખાસ તો કામકાજ સંબંધિત અનુભવ ઈમિગ્રન્ટ્સને મળતા મહેનતાણામાં મહત્વનો ભાગ ભજવે છે. ૨૦૧૯ની જ વાત કરીએ તો, જેમની પાસે કેનેડા આવતા પહેલા કેનેડામાં કામકાજનો કોઈ અનુભવ નહોતો તે લોકોને સરેરાશ ૩૯,૩૦૦ ડોલર વાર્ષિક પગાર મળતો હતો.
જે ઈમિગ્રન્ટ્સ કેનેડા આવતા પહેલા માત્ર સ્ટડી એક્સપિરિયન્સ ધરાવતા હતા તેમને સૌથી ઓછો પગાર મળતો હતો. ૨૦૧૯માં તેમને એવરેજ ૧૫,૧૦૦ ડોલર વાર્ષિક પગાર મળતો હતો. જોકે, આ ગ્રુપમાં આવતા લોકોની ઉંંમર ઘણી નાની હોવાથી તેમજ તેમને કામકાજનો કોઈ અનુભવ ના હોવાથી તેમને મળતા પગારનું સ્તર નીચું હતું તેમ આ રિપોર્ટમાં જણાવાયું છે.
કેનેડાએ ૨૦૨૧માં ૪,૦૧,૦૦૦ વિદેશીઓને પીઆર આપ્યા હતા. ઉંલ્લેખનીય છે કે, કેનેડાનું અર્થતંત્ર ઈમિગ્રેશન પર ઘણો મોટો આધાર રાખે છે. વળી, કેનેડાના મૂળ નિવાસી લોકોની સરેરાશ ઉંંમર પણ વધી રહી છે. ૨૦૨૦માં પીઆર આપવાનું પ્રમાણ ૪૫ ટકા ઘટીને ૧,૮૫,૦૦૦ પર પહોંચી ગયું હતું. જોકે, તેના માટે કોરોના જવાબદાર હતો. કેનેડાના પીઆર મેળવનારા લોકોમાં કયા દેશના લોકોની સંખ્યા કેટલી છે તેનો કોઈ ચોક્કસ આંકડો ઉંપલબ્ધ નથી, પરંતુ એક અંદાજ અનુસાર, તેમાં ૪૦ ટકા જેટલા ભારતીયો છે.
૨૦૨૧માં જે ૪,૦૧,૦૦૦ લોકોને પીઆર આપવામાં આવ્યા છે તેમાંના મોટાભાગના કેનેડામાં પહેલાથી ટેમ્પરરી સ્ટેટસ પર હતા. સરકારી સૂત્રોનું માનીએ તો, ૨૦૨૨માં કેનેડા ૪,૧૧,૦૦૦ લોકોને પીઆર આપવાનું આયોજન ધરાવે છે.

 

(3:43 pm IST)